ઐતિહાસીક પ્રસંગે કારસેવકોનું સ્મરણ કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ
આજે ૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયેલ ભૂમિપૂજન અને શિલાન્યાસ સમારોહના ઐતિહાસિક પ્રસંગને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આવકારી ગુજરાતના પનોતા પુત્રો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને શુભેચ્છા સહ અભીનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પાંચ શતાબ્દીની તપસ્યા, સંઘર્ષ બલિદાન અને કરોડો દેશવાસીઓની શ્રદ્ધાથી તથા અનેક વિવાદો બાદ નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન રામના ભવ્ય મંદિરનું ભૂમિપુજન સમગ્ર ગુજરાત સહિત દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો છે.દેશના કરોડો હિન્દુઓની આસ્થાના અને શ્રધ્ધાનું પ્રતિક એવા ભગવાન રામના જન્મ સ્થળે ભવ્ય મંદિર નિર્માણનું કાર્ય શરૂ થયું છે. ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભગવાન રામ મંદિર નિર્માણના શિલાન્યાસ પ્રસંગને વધાવતા સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી ભગવાન રામની પૂજા અર્ચના કરી હતી.જેમણે રામ ભગવાનનાં ભવ્ય મંદિરના નિર્માણ માટે સહકાર્ય કર્યું, જે રામ-સેવકોએ કારસેવા કરી, જેમણે પણ પ્રાણોની આહુતિ આપી તે સૌનું સ્મરણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે સંપન્ન થયેલ ભગવાન રામના ભવ્ય મંદિરના નિર્માણનો શિલાન્યાસ સમારોહ કરોડો દેશવાસીઓની અપેક્ષા, આકાંક્ષાઓ અને સંકલ્પનું પ્રતિબિંબ બન્યો છે.