બાળકોને દત્તક લેવાના કાયદા હળવા થશે પણ બાલાશ્રમોને માટે બનશે વધુ કડક નિયમો
બાળક દત્તક લેવાના નિયમો હવે વધુ સરળ બનશે. સરકાર ટૂંક સમયમાં આ માટે નિર્ણયો જારી કરશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું છે કે વિદેશી નાગરિકો માટે ભારતમાંથી બાળકોને દત્તક લેવાનું સરળ બનાવવા માટે નવા નિયમો ઘડાઈ રહ્યા છે. જે બાળ કલ્યાણ અધિકારીઓ માટે સખત પૃષ્ઠભૂમિ તપાસ અને બાળ સંભાળ સંસ્થાઓની વધુ ચકાસણી કરવાની ફરજ પાડશે. તેમજ મહત્વનો અને મોટો ફેરફાર એ થશે કે દત્તક લીધાના બે વર્ષમાં બાળકને સાથે વિદેશ લઈ જવા ઈચ્છતા માતાપિતા વિદેશ પણ લઈ જઈ શકશે. આ માટે વતનમાં જ રહેવા માટેની બે વર્ષની મર્યાદામાંથી પાલક માતા-પિતાને છુટકારો મળશે.
દત્તક બાળક સાથે બે વર્ષ વતનમાં જ રહેવાના નિયમમાંથી બિન નિવાસી ભારતીયોને મળશે છૂટકારો
અત્યાર સુધી એવું હતું કે ભારતમાંથી બાળકોને વિદેશમાં રહેતા ભારતીયો દત્તક લેતા તો તેઓને બાળક સાથે ફરજીયાત બે વર્ષ માટે ભારતમાં જ રહેવું પડતું કે જેથી કરીને અહીંની દત્તક સંસ્થાઓ બાળકનું ધ્યાન રાખી શકે અને નિરીક્ષણ કરી શકે કે બાળક તે પરિવારમાં તે પાલક માતા-પિતા સાથે અનુકૂળ છે કે કેમ…?? પરંતુ હવે આ 2 વર્ષની સમય મર્યાદા હટશે. જો કે, આવા માતા-પિતાએ વિદેશમાં ભારતીય રાજદ્વારી મિશનના નિર્દેશોનું પાલન કરવું પડશે અને તમામ ફોલો-અપ પ્રક્રિયાઓ પૂરી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રીસ્મૃતિ ઈરાનીના નેતૃત્વમાં મંત્રાલયે આ સંદર્ભે વિવિધ રાજ્યો સાથે વાતચીત શરૂ કરી છે. જુવેનાઇલ જસ્ટિસ (બાળકોની સંભાળ અને રક્ષણ) અધિનિયમ-2015માં કરવામાં આવેલા સુધારા સંદર્ભે રાજ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, ભારતમાં હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ (HAMA)-1956 હેઠળ દત્તક પ્રક્રિયા અને નિયમોનું સંચાલન કરવામાં આવે છે. જે હિન્દુઓ, બૌદ્ધ, જૈન અને શીખને લાગુ પડતો કાયદો છે. આ સાથે સંબંધિત એક અધિકારીએ જણાવ્યું કે, કાયદા અને ન્યાય મંત્રાલયની ભલામણ પર બાળ વિકાસ મંત્રાલય HAMA અંતર્ગત આંતર-દેશ દત્તક લેવા માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે એડોપ્શન રેગ્યુલેશન-2017માં સુધારો કરી રહ્યું છે. આથી હવે દત્તક બાળકો માટે પણ વિઝા, પાસપોર્ટ આસાનીથી મળી જશે અને વિદેશ સ્થળાંતરીત કરી શકાશે.
ઘણા માતા -પિતા જેમણે HAMA હેઠળ બાળકોને દત્તક લીધા છે તેઓએ અદાલતોનો સંપર્ક કરતા કહ્યું છે કે તેઓ હાલના નિયમો હેઠળ તેમના બાળક માટે પાસપોર્ટ અથવા વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે કારણ કે તેને CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી) તરફથી NOCની જરૂર છે. HAMA આંતર-દેશ દત્તક માટે એનઓસી પ્રદાન કરતું નથી. પરંતુ હવે આમ શક્ય બનતા વિઝા, પાસપોર્ટ માટે સરળતા રહેશે. મંત્રાલયે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે ભારતીય બાળકોના આંતર-દેશ દત્તક લેવાના મામલે ભારતના વિદેશી નાગરિકો (OCI) ને બિન-નિવાસી ભારતીયોની સમકક્ષ લાવવામાં આવે.