પી પી સવાણી અને કિરણ જેમ્સ આયોજિત લગ્ન સમારોહમાં કુલ 271 દીકરી પરણશે
સુરતના સેવાની સુવાસ વિશ્વભરમાં ફેલાવનાર પી.પી.સવાણી પરિવાર અને કિરણ જેમ્સના લખાણી પરિવાર દ્વારા આયોજિત પિતાવિહોણી 271 દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહમાં આજે પ્રથમ દિવસે 135 દીકરીઓને આજે પિતાની છત્રછાયાનું પાનેતર ઓડાઢીને સાસરે વળાવી હતી. સતત નવમાં વર્ષે યોજાયેલા આજના લગ્ન સમારોહમાં પી.પી.સવાણી અને લખાણી પરિવાર દ્વારા આયોજિત આજના કાર્યક્રમ 5 મુસ્લિમ સહીત 135 કન્યાઓને વિદાય આપવામાં આવી હતી.
પી.પી.સવાણી ગ્રૂપના મહેશભાઇ સવાણીએ સ્વાગત પ્રવચન જણાવ્યું કે, છેલ્લા નવ વર્ષથી પિતા વિહોણી દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવી રહયું છે. વહુને દીકરી માનીને તેમની આરતી ઉતારવા બદલ બધા વેવાઇઓને અભિનંદન પાઠવતાં ખોટા રીતિ રીવાજોને તિલાંજલિ આપવાની હાકલ કરી હતી. દરેક સમાજ આજે ભભકાદાર લગ્ન છોડી સમૂહ લગ્નમાં જોડાયો છે, જે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. સવાણી અને લખાણી પરિવાર એ દરેક વરરાજાને હેલ્મેટ આપીને ટ્રાફિક નિયમોનું પાલન કર પોતાની અને પરિવારની સુરક્ષાની કાળજી રાખવાનો સંકલ્પ કરાવ્યો હતો. દરેક પરિવારને એક એક તુલસી આપીને એને ઉછેર કરીને પરિવારને પર્યાવરણ સુરક્ષા અંગે પણ જાગૃતિ રાખવાનો સંદેશ આપ્યો હતો.
આ વર્ષે કુલ 271 લાડકી દીકરીઓના લગ્ન બે દિવસ દરમિયાન થવાના છે. આજે પ્રથમ દિવસે 135 દીકરીઓના લગ્ન થયા હતા, આવતીકાલે રવિવારે બીજી 136 દીકરીઓના લગ્ન આજ જેવી જ ભવ્યતાથી યોજાશે. કુલ 271 દીકરીઓ પૈકી 5 મુસ્લિમ દીકરીઓના નિકાહ આજે યોજાયા હતા. આ સિવાય મહારાષ્ટ્ર, ઓરિસ્સા, માધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન રાજ્યની દીકરીઓ લગ્નબંધન થી જોડાઈ જશે. આ લગ્ન સમારોહમાં જેના લગ્ન થયા છે એ તમામ દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી છે. લગ્ન પછી પણ સવાણી પરિવાર આ દીકરીઓની તમામ જવાબદારી નિભાવે છે.
લગ્ન સમારોહમાં હાજર મહાનુભાવોએ કન્યાઓને આશીર્વાદ આપી ને સવાણી અને લખાણી પરિવારના આ સેવાકીય કાર્યને બિરદાવ્યો હતો. મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અહીં એક જ મંડપમાં જ્ઞાતિ, જાતી, સંપ્રદાય, ભાષા, પ્રાંતથી પર ઉઠીને દેશની એકતા અને અખંડિતતાની નવી દિશાના દર્શન કરાવ્યા છે. પિતા વિહોણી દિકરીઓને સુખી દામ્પત્ય જીવનના શુભાશિષ પાઠવી, લગ્ન પવિત્ર બંધન સાથે બે આત્માઓના મિલન સાથે કુટુંબીજનો માટેનો અનોખો અવસર હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, વિશ્વમાં ભારતીય લગ્ન પરંપરા અનોખી ભારતીય સંસ્કૃતિ વ્યવસ્થાના કારણે ભવોભવ સુધી સાથે રહેવાના સંકલ્પને કારણે ભારતીય દંપતિ વિશ્વમાં શ્રેષ્ઠ છે.
નોખા અને અનોખા આ લગ્ન સમારોહમાં સવાણી અને લખાણી પરિવારે ન્યાત-જાત, સંપ્રદાયને એકસાથે જોડીને દેશની અખંડીતતામાં નવી દિશાના દર્શન કરાવ્યા છે. સંસ્કારી અને સમૃધ્ધ, સામાજિક સંવેદના સાથે ચેતના સભર સદભાવનાના વાતાવરણનું નિર્માણ કર્યું છે, જે આજના આધુનિક સમયમાં દેશ માટે દિશાસૂચક છે. પિતા વિહોણી દિકરીઓ માટે પિતાતુલ્ય ભૂમિકા ભજવી હજારો દીકરીઓના રંગે ચંગે લગ્ન કરાવીને સાસરે વળાવી છે.
આજે યોજાયેલા લગ્ન સમારોહમાં રાજ્ય સરકારના મંત્રીઓ શ્રી ભૂંપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી ગણપતસિંહ વસાવા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી, માજી મંત્રી અને ભાજપ અગ્રણી શ્રી ગોરધનભાઈ ઝડફિયા, ભારતસિંહ પરમાર, જિંદા શહીદ તરીકે ઓળખાતા એન્ટી ટેરીરિસ્ટ સ્ક્વોર્ડના અધ્યક્ષ મનિન્દરજીતસિંહ બિટ્ટા, સાંસદ દર્શનાબહેન જરદોશ, ધારાસભ્યો કાંતિભાઈ બલર, કિરણભાઈ ઘોઘારી, વિનુભાઈ મોરડીયા,પૂર્ણેશ મોદી,હર્ષભાઈ સંઘવી, ઝંખનાબેન પટેલ, મેયરશ્રી ડૉ.જગદીશભાઈ પટેલ, સુરત કલેક્ટ ડૉ ધવલ પટેલ, વૃંદાવનથી દીદીમાં ઋતુંભરાજી, બગદાણાના માનજીબાપા, પ્રયોશા પ્રતિષ્ઠાન, ડાંગના પીપી સ્વામી સહિતના અનેક આગેવાન ઉપસ્થિતિ રહ્યા હતા.
લગ્નસમારોહ ની સાથે સાથે મહેશ સવાણીના નાના દીકરા મોહિતના આંતરજ્ઞાતિય વેવિશાળ નિલેશ પટેલની દીકરી આયુષી સાથે થઇ હતી. ઉલ્લેખનીય છે કે મહેશભાઈના મોટા પુત્ર મોહિત સવાણીના લગ્ન પણ આજ પ્રકારના સમારોમાં થયા હતા.લગ્નસમારોહની શરૂઆત “શક્તિ સ્વરૂપ” નાની બાળાઓની આરતી ઉતારીને કરવામાં આવી હતી જયપુરના મનન દીદીએ 24 કલાક સુધી અહીં લાઈવ પેઇન્ટિંગ કરવાની શરૂઆત કરી છે. મનનદીદી એ કરેલા ચિત્રમાંથી જે આવક એમના અનાથ માટેની સેવામાં ઉપયોગમાં લેશે. સમારોહ વખતે 7 વ્યક્તિઓનું વિશેષ સન્માન થયું હતું
- 1) દિવ્યાંગ બાળક મનોજ ભીંગારે જે પોતાના બન્ને હાથ ન હોવા છતાં મોઢા અને પગ વડે અદભુત ચિત્રો તૈયાર કરે છે.
- 2) ગોરધનભાઈ ભીંગરાડીયા “મૂક” બોલી ના શકતા હોવા છતાં પોતાના હાથ વડે ઘઉંની સળીઓ દ્વારા ખુબ જ સુંદર કલાકૃતિ બનાવે છે.
- મનનબેન ચતુર્વેદી જે જયપુરમાં ૧૭૦ અનાથ બાળકોની માતા તરીકેની અદભુત જવાબદારી નિભાવે છે.
- રાજકોટના પૂજાબેન પટેલ જે અનેક સ્પેશ્યલ ચાઈલ્ડ બાળકોની પાલક માતા બનીને આ બાળકોની સંભાળ લે છે.
- ધ્વનિબેન દવે. નાની ઉમરમાં લાડકડી ગીત ગાઈને પોતાની આગવી ઓળખ બનાવનારી દીકરી ધ્વનિ દવે.
- પોતાની બન્ને આંખમાં દ્રષ્ટિ ન હોવા છતાં અનેક ગોલ્ડ મેલડ પ્રાપ્ત કરી દેશનું નામ રોશન કર્યું,. હિમાંશી ભાવેશભાઈ રાઠી
- રબર ગર્લ અન્વિ વિજયભાઈ ઝાંઝરૂકિયા
મહેશ સવાણી પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે આટલો મોટો સમારોહ થશે કે નહિ એની ચિંતા હતી પણ વલ્લભભાઈ લખાણી અને એમનો પરિવાર આ કાર્યમાં જોડાયું એટલે એ થઇ શક્યું છે. આ એક વિશિષ્ઠ લગ્નસમારોહ છે જેમાં એક જ પિતા આ દરેક દીકરીને પાનેતર ઓઢાડીને વિદાય આપે છે. ઘરને એક રાખીને દીકરી અને દીકરીઓને ઘરને સાચવી લેવાનું આહવાન કર્યું હતું
રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું કે, સામાજિક સમરસત, એકતાનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. મહેશભાઈ લગ્ન કરાવીને તમામ દીકરીઓના આજીવન પાલક પિતા બની રહે છે, અને પિતાની હૂંફ પુરી પડે છે એ ધન્યવાદને પાત્ર છે.
વૃંદાવનથી ખાસ પધારેલા દીદીમાં ઋતુંભરાજી એ જણાવ્યું હતું કે, સેવા વગરનું જીવન મૃત્યુ સમાન છે. પરમાર્થ માટે જીવવું એ જ જીવન છે. માણસાઈનો ભાવ ઉત્તમ સદગુણ છે. પ્રકૃતિ સાથે સંબંધ એ જ ભારતની સંસ્કૃતિ છે. પાનેતરના પવિત્ર લગ્નોત્સવને એમણે આશીર્વચન આપ્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી એ જણાવ્યું હતું કે, સવાણી અને લખાણી પરિવારનું આ સેવાકાર્ય વંદનીય છે. વિવિધ જ્ઞાતિ-ધર્મની દીકરીઓનું લગ્ન સમારોહ એ સામાજિક એકતાનું પ્રતીક છે. દુઃખી પરિવારની સેવા એ ઈશ્વરીય ભક્તિ છે. આ સંવેદનના લગ્ન છે.
કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લખાણી (વી એસ) એ જણાવ્યું હતું કે, મહેશભાઈના આ સેવા કાર્યમાં જોડાઈને અમે પણ ધન્યતા અનુભવીએ છીએ. આ એક અનોખું સેવા કાર્ય છે જેના અમે વર્ષોથી સાક્ષી હતા આ વર્ષે એના સહભાગી બન્યાનો આનંદ અમને આખા પરિવારને છે