ધો.10, 12 સા.પ્રના ફોર્મ 21મી અને સાયન્સના 24 ડીસેમ્બર સુધી ભરી શકાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાનારી ધો. 10 અને ધો. 12ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. જેમાં હવે ફોર્મ ભરવાની કામગીરી છેલ્લાં તબક્કામાં હોય શિક્ષણ વિભાગ દ્વારા દરેક સ્કૂલોમાં સૂચનાઓ આપી દેવામાં આવી છે. મુદત પૂર્ણ થયા બાદ લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. ધો. 10 અને ધો.12 સામાન્ય પ્રવાહ માટે 21મી સુધી અને ધો.12 સાયન્સ પ્રવાહ માટે 24મી ડીસેમ્બર સુધી ફોર્મ રેગ્યુલર ફી સાથે ભરી શકાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી નવેમ્બર માસથી શરૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને આ ફોર્મ ભરવા માટે 1 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.
દરમિયાન હવે બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થવાને આરે છે. ત્યારે બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પત્ર લખી નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધો.10 અને ધો.12 માટેના ફોર્મ 21મી સુધી જ્યારે ધો.12 સાયન્સ પ્રવાહના ફોર્મ 24મી ડીસેમ્બર સુધી ભરી શકાશે.
ત્યારબાદ લેઈટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં માટેનો કાર્યક્રમ આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. હાલમાં કુલ 70 ટકા જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીના 30 ટકા વિદ્યાર્થીઓ માટે હજુ આગામી 21 અને 24મી ડીસેમ્બર સુધી ફોર્મ ભરી દેવા માટે જણાવવામાં આવ્યું છે.