ડોનાલ્ડ ટ્રમ્પ હવે રિપબલ્કિન પાર્ટીના પ્રમુખ પદના ઉમેદવાર બની શકશે કે કેમ?: વિશ્ર્વભરની મીટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિની રેસના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલને ગુપ્ત રીતે 1.30 લાખ ડોલર આપવાના ગુનાઈત કેસમાં મંગળવારે મેનહટન ક્રિમિનલ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. કોર્ટ પહોંચતા જ પોલીસે ટ્રમ્પની ધરપકડ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ એ સત્તાવાર રીતે ધરપકડ કરાયેલા અમેરિકાના પહેલા પૂર્વ પ્રમુખ બની ગયા છે. ટ્રમ્પ સામે નાણાકીય હેરાફેરીના 34 આરોપો ઘડાયા છે. કોર્ટમાં આરોપોની સુનાવણી પછી ટ્રમ્પે પોતાને નિર્દોષ ગણાવ્યા હતા. કોર્ટે ટ્રમ્પને 1.22 લાખ ડોલરનો દંડ કર્યો છે જે સ્ટોર્મી ડેનિયલને ચૂકવવામાં આવશે. અગાઉ મેનહટન કોર્ટમાં ટ્રમ્પની હાજરી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવરથી મેનહટન કોર્ટ સુધી 35,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા હતા. બીજીબાજુ ટ્રમ્પના પુત્રે ફ્રી ટ્રમ્પ અભિયાન શરૂ કર્યું છે.
રિપબલ્કિન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની 2024ની પ્રમુખપદની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે ત્યારે મંગળવારે તેમણે મેનહટન ક્રિમિનલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. ત્યાર પછી પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, કોર્ટની અંદર હાજર થતાં પહેલાંની આ એક કાયદાકીય પ્રક્રિયા હતી. ટ્રમ્પને હાથકડી પહેરાવવામાં આવી નહોતી. કોર્ટની અંદર ડોનાલ્ડ ટ્રમ્પને નાણાકીય હેરાફેરીના કેસમાં તેમની સામેના આરોપો સંભળાવાયા હતા. પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ તરફથી ત્રણ વકીલો જોએ ટેકોપિના, સુસાન નેશેલેસ અને ટોડ બ્લાન્કે કોર્ટમાં દલીલો કરી હતી. દલીલો પૂરી થયા પછી ટ્રમ્પે પોતે કોઈ ગૂનો નહીં કર્યો હોવાનું જણાવ્યું હતું. વધુમાં આ કેસની સુનાવણી 4થી ડિસેમ્બરે નિશ્ચિત કરી છે. કેસની સુનાવણી પૂરી થયા પછી ટ્રમ્પ કોર્ટમાંથી રવાના થઈ ગયા હતા.