ન્યૂયોર્કમાં 9 સભ્યોની જ્યુરીએ આપ્યો ચુકાદો: ટ્રમ્પને ભોગ બનનાર મેગેઝીન રાઇટર કેરોલને વળતર તરીકે રૂા.41 કરોડ ચૂકવવાનો આદેશ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર મેગેઝીન રાઇટર ઈ જીન કેરોલની યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ન્યૂયોર્કમાં 9 સભ્યોની જ્યુરીએ ટ્રમ્પને જાતીય શોષણ અને બદનક્ષી માટે દોષિત ઠેરવ્યા હતા. આ પછી ટ્રમ્પ કેરોલને વળતર તરીકે 41 કરોડ રૂપિયા આપશે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે સુનાવણી બાદ મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય આપ્યો હતો.

જોકે, ટ્રમ્પે કેરોલ પર બળાત્કાર કર્યો હોવાની વાત કોર્ટે સ્વીકારી નથી. મેગેઝિન લેખક જીન કેરોલે 2019માં આરોપ લગાવ્યો હતો કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખે 1996માં મેનહટન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. ટ્રમ્પે આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે કેરોલ તેને લાયક નથી. તેઓ કેરોલને ઓળખતા નથી અને તેણીને સ્ટોર પર મળ્યા નથી. મેગેઝિન લેખક પોતાનું પુસ્તક વેચવા માટે ખોટી વાર્તા બનાવી રહી છે.

કેસની સુનાવણી 25 એપ્રિલે શરૂ થઈ હતી. ટ્રાયલ દરમિયાન બે મહિલાઓએ ટ્રમ્પ વિરુદ્ધ જુબાની આપી હતી. પીપલ મેગેઝિનની રિપોર્ટર નતાશા સ્ટોયનોફે જણાવ્યું કે ટ્રમ્પે 2005માં તેને બળજબરીથી કિસ કરી હતી. અન્ય એક મહિલા, જેસિકા લીડ્સે જણાવ્યું હતું કે ટ્રમ્પે 1979માં તેણીને ચુંબન કર્યું હતું અને છેડછાડ કરી હતી.

જ્યુરીએ ટ્રમ્પની 2005ની રેકોર્ડિંગ પણ સાંભળી હતી. આમાં ટ્રમ્પ પરવાનગી વગર મહિલાઓને ચુંબન કરવા અને છેડછાડની વાત કરી રહ્યા હતા.

ટ્રમ્પે તેમની સામેની સિવિલ ટ્રાયલમાં હાજરી આપી ન હતી. તેઓ ચુકાદાની જાહેરાત સમયે પણ હાજર ન હતા. આ સિવિલ મામલો છે, તેથી ટ્રમ્પની સામે જેલ જવાનો કોઈ ખતરો નથી. આ કેસમાં જ્યુરી સભ્યોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. ટ્રમ્પે પાછળથી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નિર્ણયને અપમાનજનક ગણાવ્યો અને કહ્યું કે તેઓ કેરોલને ઓળખતા નથી. તેમણે કહ્યું કે તેમની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

કેરોલના બે મિત્રોએ ટ્રાયલ વખતે જુબાની આપી હતી કે કેરોલે તેમને આ ઘટના વિશે જણાવ્યું હતું. જોકે, ટ્રમ્પના ડરથી તેમને આ વાત કોઈને ન કહેવા માટે કહેવામાં આવ્યું હતું. કેરોલને ડર હતો કે જો તે આગળ આવશે તો ટ્રમ્પ તેની શક્તિ અને પૈસાના આધારે તેની સામે બદલો લેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.