અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તેમજ કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે ડો. કથીરિયા
ચૂંટણી પહેલાં મેડિકલ ક્ષેત્રે આશિર્વાદરૂપ એઇમ્સની કામગીરી વેગવંતી બનાવી ફુલફેઝમાં કાર્યરત કરવા ડો.વલ્લભ કથીરિયાને પ્રેસિડેન્ટ બનાવાયા
ગુજરાતમાં રાજકોટ ખાતે આકાર લઈ રહેલી રાજ્યની સૌપ્રથમ એઇમ્સ (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ) કામગીરી ચૂંટણી પૂર્વે પૂરી કરવા માટે પ્રેસિડેન્ટની નિમણુક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથિરીયાના શિરે આપવામાં આવી છે. એઇમ્સની કામગીરી પર નજર રાખવા અને વહેલીતકે એઇમ્સને ફુલફેઝમાં શરૂ કરવા માટે હવે રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથિરીયાએ બીડું ઝડપ્યું છે. અબતક મીડિયા દ્વારા એઇમ્સમાં ચાલતી ઓપીડી અને રીપોર્ટની તેમના સારવાર અર્થે વિશેષ અહેવાલો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે મેડિકલ ક્ષેત્રે આશીર્વાદરૂપ એઇમ્સની સુવિધા ઝડપથી લોકોને મળી રહે તે માટે ડો.વલ્લભ કથિરીયાને જવાબદારી સોંપવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથિરિયાને વધુ એક મહત્વની જવાબદારી કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવી છે. જેમાં રાજકોટના જામનગર રોડ પર બની રહેલ ગુજરાતની પ્રથમ એઇમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ડો.કથિરિયાની નિમણૂક કરવામાં આવી છે. ડો. કથિરીયા અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તેમજ કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથિરીયા અગાઉ નીભાયેલી તમામ જવાબદારીમાં નિપુણ પુરવાર થયા છે જેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના એવા ડો. કથિરીયાને વધુ એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ એવા રાજકોટ એઇમ્સના પ્રેસિડેન્ટ તરીકે હવે ડો.વલ્લભ કથિરીયાને જવાબદારી સોંપવામાં આવી છે. તો બીજી તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથિરિયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજીક હોવાનું માનવામાં આવી રહ્યું છે અને એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એઇમ્સના નિર્માણ કાર્યની કામગીરી ઝડપથી અને સારી રીતે આગળ વધે તે માટે સ્થાનિક કક્ષાએ દેખરેખ રાખી શકાય તે માટે ડો. કથિરિયાની પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગત જૂન માસ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમજ સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જૂન મહિના દરમિયાન રાજકોટ એઇમ્સની અડધાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું. તે ઉપરાંત સપ્ટેમ્બર માસ સુધીમાં એઇમ્સની કામગીરી પૂર્ણ થઈ જશે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ સપ્ટેમ્બર સુધીમાં એઇમ્સની કામગીરી પૂર્ણ થશે તેવા સંકેતો જોવા મળી રહ્યા નથી ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોને ઝડપથી એઇમ્સની સેવાનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથિરીયાને જવાબદારી સોંપતા હવે કામગીરી વધુ વેગવંતી બનશે તેવું લાગી રહ્યું છે.
રાજકોટ એઇમ્સ ખાતે ઇક્વિપમેન્ટ પણ આવી રહ્યા છે, ફેકલ્ટીના રિક્રૂટમેન્ટ પણ થઈ રહ્યા છે. ત્યારે ઓક્ટોબર મહિના સુધીમાં ફૂલફેઝમાં રાજકોટ એઈમ્સ ઓપરેશનલ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈને કોઈ કારણો સર કામ ધીમી ગતિએ આગળ ચાલતું હોવાથી મહત્ત્વની જવાબદારી સાથે એઇમ્સ રાજકોટના પ્રમુખ તરીકે ડો.વલ્લભ કથીરિયાને જવાબદારી સોંપવામાં આવી છે. એઇમ્સ ખાતે હાલ ઓપીડી અને લોહીના રીપોર્ટની કામગીરી શરૂ કરવામાં આવી છે. એઈમ્સ ફૂલફેઝમાં શરૂ થતાં ન માત્ર દર્દીઓની સારવાર પરંતુ અનેક વિષયો પર રિસર્ચ પણ શરૂ કરવામાં આવશે. વર્તમાન સમયમાં પણ એઇમ્સ ફેકલ્ટી દ્વારા અનેક વિષયો પર રિસર્ચ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ હાઈ ટેકનોલોજી સાધનો આવતા રિસર્ચ ક્ષેત્રે પણ રાજકોટ એઈમ્સ મેડિકલ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડશે. જેથી ચૂંટણી આવતા પહેલા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન રાજકોટ એઈમ્સ વહેલી તકે શરૂ થાય અને લોકલ લેવલ પર તેની કામગીરી પૂર્ણ કરવા માટે નજર રહે તેવા હેતુસર રાજકોટના પૂર્વ સાંસદ ડો.વલ્લભ કથિરીયાને પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.