વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા લોન આપવામાં આવી હોય છે રાજ્ય સરકારની ખૂબ જ સારી યોજનાઓ છે પરંતુ યોજનાઓનો અમલીકરણ કરવામાં વિલંબ થતો હોય તેવી ઘટના સુરતમાં બની છે જ્યાં વિદ્યાર્થીઓને લાંબો સમય થતા પણ લોન આપવામાં વિલંબ થાય છે ત્યારે ધારાસભ્ય કુમાર કાનાણી વિદ્યાર્થીઓની વહારે આવીને આ બાબતે સીએમ ભુપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી.
સુરતના વરાછા રોડના વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. વિદેશ અભ્યાસ કરવા જવા ઇચ્છતા વિધાર્થીઓ ને તાત્કાલિક લોન આપવા રજુઆત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે પ્રકારની ફરિયાદો મને મળી છે તેને લઈને મેં રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે. ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકાર જે લોન આપી રહી છે તે ખુબ સારી યોજના છે. મારી પાસે અનેક ફરિયાદો આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓનું ભાવી અધ્ધરના થાય તે માટે રજુઆત કરી છે.
શું લખ્યું પત્રમાં ??
સવિનય સાથે જણાવવાનું કે, ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે, આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે, પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમીશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઇ જાય ત્યારે પણ આ લોન મળતી નથી, અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી, જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને તેમનું ભાવિ જોખમમાં મુકાય છે, તો આવી અરજી થયેલ વિદ્યાર્થીઓની લોન તાત્કલિક મંજુર થાય તે બાબતે મારી આપને ભલામણ સહ વિનંતી છે.