ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ શિવલાલ બારસિયા સહિત વિવિધ ક્ષેત્રના ૨૧ વ્યક્તિઓએ ‘આપ’નું ઝાડુ પકડ્યું: મહાપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવશે

રાજકોટ મહાનગરપાલિકાની  સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રી રાજભા ઝાલા સહિત વિવિધ ક્ષેત્રના ૨૧ પ્રતિષ્ઠીત આગેવાનો ગઈકાલે સાંજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાય ગયા છે.

આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી અને રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ દ્વારા નવા જોડાનાર આગેવાનોને વિધિવત રીતે પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આગેવાન રાજભા ઝાલા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે અને ભાજપમાં સંગઠનથી લઈને અનેક મહત્વની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે, જે રાજકીય અને સામાજિક સ્વચ્છ છબી ધરાવે છે. જયારે બીજી તરફ પ્રતિષ્ઠિત વ્યાપારી તરીકે શહેરમાં છબી ધરાવતા શિવલાલભાઈ બારસિયા કે જેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં ચેરમેન રહી ચૂક્યા છે અને લેઉઆ પટેલ સમાજમાં ખુબજ નામના ધરાવે છે એમની પ્રતિષ્ઠા અને વિચારો અને આમ આદમી પાર્ટીની વિચારધારામાં ખુબજ સમન્વય રહેલો છે જે આગામી દિવસોમાં પાર્ટીને ખૂબ મજબૂત બનાવશે.આ ઉપરાંત નૈમીસ પાટડીયા કે જે ઉપપ્રમુખ-શહેર કોંગ્રેસમાં જવાબદારી નિભાવી ચુક્યા છે, જુલી લોઢિયા જે મીડિયા ક્ષેત્રનો વર્ષોનો અનુભવ ધરાવે છે, ચેતનભાઈ કમાણી જેઓ સીએ છે. રવિભાઈ, દેવાંગભાઈ, અંકુરભાઈ, દુષ્યંતભાઈ, કિરણભાઈ જેવા  ઉત્સાહી અને ક્રાંતિકારી વિચારધારા ધરાવનાર પ્રતિભાશાળી યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા અરવિંદ કેજરીવાલ અને એમની ટીમનાં વિઝનથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આગામી સમયમાં આવનાર મહાનગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટમાં બુથ લેવલ સુધીનું સંગઠન નિર્માણ થઈ રહ્યું છે જેમાં નવા જોડાયેલ આગેવાનોને પણ રાજકોટ શહેરમાં મહત્ત્વની જવાબદારીઓ સોંપાશે. અને આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજકોટમાં લોકોનો મજબૂત વિકલ્પ બનીને ખુબજ મજબૂતીથી લડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.