માત્ર ૧૫ વર્ષની ઉંમરે સ્ટેમ્પ, કરન્સી અને પોસ્ટકાર્ડ કલેકશન કરવાનો શોખ જાગ્યો જે આજે ૬૦ વર્ષ ઉંમરે પણ બરકરાર: ૭ હજારથી વધુ સ્ટેમ્પ વિવિધ દેશોના ૧૦૦થી વધુ પોસ્ટકાર્ડ અને પાંચ હજારથી વધુ કરન્સીનું જોવા અને જાણવા લાયક કલેકશન
કહેવાય છે કે શોખ બહુ મોટી વસ્તુ છે ઘણી વ્યકિતઓને જૂદી જુદી પ્રકારની ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાનો અદ્ભૂત શોખ હોય છે. તેઓનો શોખ ભાવિ પેઢી માટે એક હરતુ ફરતુ મ્યુઝિયમ બની રહતો હોય છે. રાજકોટ મહાનગરપાલીકામાં સેક્રેટરી બ્રાન્ચમાં છેલ્લા સાડા-ત્રણ દાયકાથી પણ વધુ સમયથી ફરજ બજાવતા પૂર્વ ઈન્ચાર્જ સેક્રેટરી અને હાલ કરારજન્ય ધોરણે ફરજનિષ્ઠ એવા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનના પી.એ. છબીલભાઈ એન. રાણપરા અલગ અલગ દેશોની સ્ટેમ્પ, કરન્સી અને પોસ્ટકાર્ડ કલેકશન કરવાનો અદભૂત શોખ ધરાવે છે. છેલ્લા ૪૫ વષૅ દરમિયાન તેઓએ પોતાના ખજાનામાં ૧૦૦થી વધુ દેશોની સ્ટેમ્પ ૭૦ દેશોની કરન્સી એકત્રીક કરી છે. તેઓ પાસે ૧૮૩૫થી લઈ ૨૦૨૦ સુધીની ભારતની તમામ કરન્સી ઉપલબ્ધ છે. આટલું જ નહી રેર પુસ્તકોનો પણ તેમની પાસે બહુ મોટો ખજાનો છે.
કોર્પોરેશનમાં હાલ સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ઉનદયભાઈ કાનગડના પીએ તરીકે ફરજ બજાવતા અને અડધો ડઝન જેટલી શૈક્ષણીક ડિગ્રી ધરાવતા તથા આઝાદીની સૂવર્ણ જયંતિ મહોત્સવના અવસરે સંનિષ્ઠ કર્મચારીનો એવોર્ડ જીતનાર તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાર્ટીલના હસ્તે રાજકોટ મહાનગરપાલીકાવતી નગરરત્ન એવોર્ડ સ્વીકારનાર છબીલભાઈ એન. રાણપરા જણાવે છે કે, જયારે તેઓ હાઈસ્કુલમાં અભ્યાસ કરતા હતા ત્યારે આશરે ૧૫ વર્ષની ઉંમરે તેઓની પાસે બ્રિટન દેશની સ્ટેમ્પ અને કરન્સી આવી ત્યારે એવો વિચાર આવ્યો કે, અલગ અલગ દેશની સ્ટેમ્પ, કરન્સી અને પોસ્ટકાર્ડનું કલેકશન કરવું આજે ૬૦ વર્ષની ઉંમરે આ શોખ હજી જીવંત છે. છેલ્લા ૪૫ વર્ષ દરમિયાન તેઓએ ભારત ઉપરાતં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચિન, જાપાન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈરાન, ઈરાક, અફઘાનિસ્તાન, કેન્યા, યુગાન્ડા, બ્રાઝીલ, બર્મા સહિતના આશરે ૧૦૦ જેટલા દેશોની ૭ હજારથી પણ વધુ સ્ટેમ્પનું કલેકશન કર્યું છે. આઝાદી પૂર્વ સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજે ૯ સ્ટેમ્પ બહાર પાડી હતી. જે પૈકી ૭ સ્ટેમ્પ તેમની પાસે રહેલા ખજાનાની શોભા વધારી રહી છે.
તેઓ ઉમેરે છે કે વિવિધ દેશોની સ્ટેમ્પ સાથે ૭૦થી વધુ દેશોની આશરે પાંચ હજારથી પણ વધુ કરન્સી પણ ઉપલબ્ધ છે. ભારતની ૧૮૩૫થી લઈ ૨૦૨૦ સુધીની તમામ કરન્સી તેમની પાસે છે. જેની સંખ્યા આશરે પાંચ હજારથી વધુ થવા પામે છે. અને કરન્સીનું મૂલ્ય આશરે દોઢ લાખ રૂપીયા જેવું થવા પામે છે. શ્રીલંકા આજે સીલોન તરીકે ઓળખાતું ત્યારની કરન્સી પણ તેમની પાસે છે. સદામ હુસેન અને મહમદ અલી જીણાના ફોટા વાળી કરન્સી પણ ઉપલબ્ધ છે.
વિવિધ દેશોના સ્ટેમ્પ તથા કરન્સી સાથે તેઓએ પોસ્ટકાર્ડ અને ફર્સ્ટડ કવરનું પણ જબર કલેકશન કર્યું છે. ૧૮૯૨નું પોસ્ટકાર્ડ પણ તેઓના સંગ્રહમાં છે. મોરબી સ્ટેટ, લીંબડી સ્ટેટ સહિતના રાજવી ધરાનાઓ પત્રવ્યવહાર માટે છપાયેલા પોતાના રાજયનાં પોસ્ટકાર્ડ પણ તેમના ખજાનામાં આસાનીથી મળી રહે છે. તેઓ સારા પુસ્તકો વસાવવાનો પણ શોખ ધરાવે છે. ગાંધીની હત્યા શા માટે જેવું ભારત સરકાર પ્રતબિંધ મૂકેલું પુસ્તક પણ તેમની પાસે ઉપલબ્ધ છે. જવાહરલાલ નેહરૂ અને હિટલરની ઓટો બાયોગ્રાફી પણ તેમના સંગ્રહમાં સમાવિષ્ટ છે. સી.એન. રણપરા માત્ર સ્ટેમ્પ, પોસ્ટકાર્ડ કે કરન્સી કલેકશનનો શોખ ધરાવે છે. એટલું નહી તેઓ સારા ચિત્રકાર પણ છે. લોકડાઉનનાં સમયનો સદ્ઉપયોગ કરતા તેઓએ ૨૦ જેટલા ચિત્રો બનાવ્યા છે કોઈ વ્યકિત સામે બેસી જાયતો રાણપરાજી તેની આબેહુબ તસવીર બનાવી આપે છે.કોર્પોરેશનમાં સ્થાપનાદિને કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રંગોળી સ્પર્ધા શરૂ કરાવવાનો જશ પણ તેમના શીરે જ જાય છે.