બે દિવસ પૂર્વે માજી મંત્રી જયંતિ કવાડિયાને મોબાઈલ ઉપર પાંચ લાખની ખંડણી માંગી વીમો ઉત્તારી લેવા અપાઈ હતી ધમકી
મોરબી એલસીબીએ અમદાવાદ અને મુંબઈ પોલીસની મદદથી આસિસ્ટન્ટ ફિલ્મ ડાયરેક્ટરને ગણતરીની કલાકોમાં ઉપાડી લીધો
હળવદ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને માજી મંત્રી જયંતીભાઇ કવાડીયાને અન્ડરવર્ડ ડોન રવિપુજારીના માણસ તરીકે ફોનથી ધમકી આપી રૂપીયા ૫,૦૦,૦૦૦ ની ખંડણી માંગવાના ચકચારી પ્રકરણમાં મોરબી એલસીબીએ મુંબઇ અને અમદાવાદ પોલીસની મદદથી બોલીવુડના આસિસ્ટન્ટ ડાયરેકટરને ગણતરીની કલાકોમાં ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત વિગતોમુજબ તારીખ ૧૬/૦૫/૨૦૧૮ના રોજ ભાજપના માજી મંત્રી જયંતીભાઇ કવાડીયાને મોબાઇલ ફોન ઉપર ગેંગસ્ટર રવી પુજારીના માણસ તરીકે ઓળખ આપી મોબાઇલ ફોનથી ધમકી આપી રૂપીયા ૫,૦૦,૦૦૦/-ની ખંડણી માંગવામાં આવી હતી આ બનાવની ગંભીરતા જોતા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડી.એન.૫ટેલ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મોરબી અક્ષયરાજ મકવાણા તુરત જ હરકતમાં આવ્યા હતા અને તાત્કાલિક એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.ટી.વ્યાસ તથા પો.હેડ કોન્સ્ટેબલ દીલીપભાઇ ચૌધરી, રજીકાન્તભાઇ કૈલા, પો.કોન્સ. નંદલાલભાઇ વરમોરા તથા દશરથર્સિહ પરમારની એક ટીમ બનાવી મુંબઇ ખાતે તપાસમાં મોકલી હતી.
આ ચકચારી બનાવ મામલે પૂર્વ મંત્રી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ગુન્હો પણ નોંધાવવામાં આવ્યો હતો અને બે દિવસથી આ પ્રકરણમાં પોલીસે ગુપ્ત વર્તુળોને કામે લગાડી અન્ડરવર્ડ માફિયા રવિ પૂજારીના નામે ધમકી આપનાર શખ્સના મોબાઈલ ફોનને ઓબ્ઝર્વેશનમાં મૂકી લોકેશન મેળવવા તમામ તાકાત કામે લગાડી હતી
બીજી તરફ ખંડણીની ધમકી આપનાર શખ્સને દબોચવા મોરબી એલસીબીની ટીમે અમદાવાદ કાઇમબ્રાન્ચનું માર્ગદર્શન મેળવવા ઉપરાંત મુંબઇ પોલીસના ખંડણી વિરોધી દળની મદદ લઇ મોબાઇલ ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર આરોપી આશીષકુમાર રામનરેશ શર્મા ઉ.વ.૨૫ ધંધો, ફિલ્મક્ષેત્રે આસીસ્ટન્ટ ડાયરેક્ટર રહે. મુબઇ વાળાને ગણતરીની કલાકોમાં ઝડપી પાડેલ હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી એલસીબીને હાથે ઝડપાયેલા આ કહેવાતા ફિલ્મ ડાયરેક્ટરે અગાઉ બોલીવુડના પાંચ થી છ કલાકારો પાસે પણ આવી જ રીતે મોબાઇલ ફોન ઉપર ધમકી આપી ખંડણી માગેલાની કબુલાત આપેલ હતી,
હાલમાં પોલીસના હાથે પકડાયેલ આરોપી પોતે ગેંગસ્ટર રવી પુજારીનો માણસ હોવાની તમામને ખોટી ઓળખ આપી ધમકી આપતો હતો. જેની મુંબઇથી ધરપકડ કરી મોરબી એલ.સી.બી. પોલીસ રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com