મહિલા જજને ધમકી આપવાના કેસમાં ઇમરાનની મુશ્કેલી વધી : 18મીએ સુનાવણી હાથ ધરાશે

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના વડા ઈમરાન ખાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ઇસ્લામાબાદની એક કોર્ટે મહિલા જજને ધમકી આપવા બદલ ઇમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કોર્ટે પોલીસને ઈમરાન ખાનની ધરપકડ કરવા અને કેસની આગામી સુનાવણી 18 એપ્રિલના રોજ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ, સિવિલ જજ મલિક અમ્માને આ કેસમાં ચુકાદો અનામત રાખતા ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશે ઈમરાન ખાનની તે અરજી પણ ફગાવી દીધી છે, જેમાં પૂર્વ પીએમને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિની માંગ કરવામાં આવી હતી.પોલીસે ગયા વર્ષે 20 ઓગસ્ટે આ મામલે ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઈમરાન ખાન પર આરોપ છે કે તેણે એક રેલી દરમિયાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જેબા ચૌધરી અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધમકી આપી હતી.હકીકતમાં, રેલી દરમિયાન, ઈમરાન ખાને જજ જેબા ચૌધરી પર કથિત રીતે આરોપ લગાવ્યો હતો કે તે જાણતી હતી કે તેણે જેલમાં બંધ પીટીઆઈ નેતા શાહબાઝ ગિલને ટોર્ચર કર્યા હતા, પછી જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો.

ઈસ્લામાબાદ હાઈકોર્ટે પણ આ મામલે ઈમરાન ખાન સામે નોટિસ જાહેર કરી હતી, જે બાદ પૂર્વ પીએમએ માફી માંગી હતી. ઈમરાનની માફી પર સંતોષ વ્યક્ત કરતા ઈસ્લામાબાદ હાઈકોર્ટે તેની નોટિસ પાછી ખેંચી લીધી હતી, પરંતુ મામલો હજુ નીચલી કોર્ટમાં પેન્ડિંગ છે. બીજી તરફ  ઈમરાન ખાનના વકીલ અલી ગોહરે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે ઈમરાન ખાન સરકારી ખજાનાની ચોરીના કેસમાં 30 માર્ચે કોર્ટમાં હાજર રહેશે, તેથી તેમને તે જ દિવસે આ કેસમાં હાજર થવાનો નિર્દેશ આપવામાં આવે. . જોકે કોર્ટે આ દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.