પાકિસ્તાનની એન્ટિ-કરપ્શન કોર્ટે ભ્રષ્ટાચારના બે કેસોમાં આજે ફેંસલો આપ્યો હતો, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને દોષી ઠેરવી 7 વર્ષ જેલની સજા આપી છે. ઇસ્લામાબાદ સ્થિત એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મોહમ્મદ અરશદ મલિકે ગત સપ્તાહે આ મામલાની સુનવણી પુરી કરી પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
લંડનમાં આલિશાન ફ્લેટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના મામલે આ વર્ષે જુલાઇમાં શરીફ, તેની દીકરી મરિયમ અને જમાઇ રિટાયર્ડ કેપ્ટન મોહમ્મદ સફદરને ક્રમશઃ 11, 8 અને 1 વર્ષની સજા થઇ ચૂકી છે.
શરીફના બંને દીકરા હસન અને હુસૈનને લંડન ફ્લેટના ભ્રષ્ટાચારન મામલે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યા છે. તેઓ એકવાર પણ કોર્ટમાં હાજર નથી થયા. કોર્ટ તેમના કેસની સુનવણી અલગથી કરશે.