પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આજે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યક્રમમાં સામેલ થવાના છે. તે માટે પ્રણવ મુખર્જી બુધવારે સાંજે જ નાગપુર પહોંચી ગયા હતા. પ્રણવ મુખર્જી આ કાર્યક્રમમાં સામેલ થવાના હોવાથી હવે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે.
કોંગ્રેસના મોટા ભાગના અગ્રણી નેતાઓએ પ્રણવ મુખરજીના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એટલે સુધી કે પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ પણ તેમના આ નિર્ણયથી નારાજ છે અને તેણે પિતાને સલાહ આપી હતી કે આરએસએસ તમારો ખોટો ઉપયોગ કરી શકે છે. જોકે તેઓ જ્યારે બુધવારે સાંજે નાગપુર પહોંચ્યા ત્યારે કોઈ પણ કોંગ્રેસી તેમના સ્વાગત માટે ત્યાં હાજર રહ્યા નથી.
નાગપુરના રેશમબાગ મેદાનામાં થનારા આરએસએસના તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપન સમારોહ ખાસ છે. તેમાં પ્રણવ મુખર્જી મુખ્ય અતિથિ તરીકે સામેલ થવાના છે. આ ઉપરાંત તેઓ આરએસએસના પાસિંગ આઉટ કાર્યક્રમમાં પણ સામેલ થશે અને તેમના વિચારો રજૂ કરશે. આજે સાંજે રાજકીય ક્ષેત્રે પણ બધાની નજર નાગપુર પર ટકેલી હશે. સંઘે તેમના તરફથી બધી તૈયારીઓ કરી રાખી છે.