પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને માહિતી આપી
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો કોરોના વાયરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટવીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીએ ટવીટમાં જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તેમને અપીલ કરું છું કે તે તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઈસોલેટ થઈ જાય.
પ્રણવ મુખર્જીની ઉંમર ૮૪ વર્ષની છે. વધુ ઉંમર હોવાનાં કારણે તેઓને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રહી ચુકેલા પ્રણવ મુખર્જી ૨૦૧૨થી ૨૦૧૭ની વચ્ચે દેશનાં રાષ્ટ્રપતિ રહ્યા છે. વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
કોરોના વાયરસ દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં ઘણા દિગ્ગજો પણ આ મહામારીનો ભોગ બની ચુકયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ થોડા દિવસો અગાઉ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો પછી તેને મેદાન્તા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ સિવાય અન્ય કેટલાય કેન્દ્રીય મંત્રીઓનાં પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આ સિવાય ઘણા રાજય સરકારનાં મંત્રીઓ પણ આ વાયરસથી સંક્રમિત થયા છે. શિવરાજસિંહ ચૌહાણનો પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેને રજા મળી હતી.