પાકિસ્તાનમાં ઇમરજન્સી લગાવનાર મુશર્રફ ગંભીર બીમારીથી પીડાતા હતા, હોસ્પિટલમાં દમ તોડ્યો
પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું લાંબી બીમારીથી 79 વર્ષની વયે નિધન થયું છે. તેમને દુબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી અંતે તેમના પરિવારે તેઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. કારગિલ યુદ્ધના માસ્ટર માઈન્ડ એવા મુશર્રફે ભારતની પીઠમાં ખંજર ભોક્યું હતું. એટલુંજ નહીં વર્ષ 2007માં પાકિસ્તાનમાં કટોકટી લાદનાર મુશર્રફ વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો અને તેઓને ફાંસીની સજા પણ ફટકારવામાં આવી હતી.
1997ની ચૂંટણીમાં નવાઝ શરીફની જીત બાદ તેમણે પરવેઝ મુશર્રફને પાકિસ્તાની સેનાના પ્રમુખ બનાવ્યા હતા. ઓક્ટોબર 1999 માં મુશર્રફે સૈન્ય બળવો કરીને નવાઝ શરીફને સત્તા પરથી હટાવી દીધા હતા અને પોતાને રાષ્ટ્રપતિ ઘોષિત કરી દીધા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કારગિલના યુદ્ધનું ષડ્યંત્ર પરવેઝ મુશર્રફે જ રચ્યું હતું. જે માટે તેમણે એક ગેંગ ઓફ ફોર નામની ટીમ પણ બનાવી હતી, જેનું કામ ષડ્યંત્ર હેઠળ ભારત પર હુમલો કરવાનું હતું.
આ કાવતરા માટે તેમણે જ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી હતી. પરવેઝ મુશર્રફે બનાવેલી ગેંગ ઓફ ફોરમાં તેમના ચાર જનરલો સામેલ હતા.
મુશર્રફની ચાલ કારગિલ વિસ્તાર પડાવી લેવાની હતી અને તેઓ ઇચ્છતા હતા કે યુદ્ધ લાંબો સમય ચાલે. જેથી આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ભારતે યુદ્ધવિરામ કરવું પડે અને તેનો લાભ પાકિસ્તાનને થાય. આ ઉપરાંત, તેમણે યુદ્ધ દરમિયાન રોને ગેરમાર્ગે દોરવા માટે પણ સાજીશો રચી હતી.
પરંતુ મુશર્રફની આ નાપાક યોજનાઓ ક્યારેય સફળ ન થઇ શકી અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાન સેનાના સેંકડો જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તમામને કારગિલમાંથી ખદેડી દીધા હતા. ભારતીય સાંસદ પર જે હુમલો કરવામાં આવ્યો તેના પણ માસ્ટરમાઈન્ડ હતા પરવેઝ મુશર્રફ.