એક સમયના પ્રખ્યાત નેતા લુલા દે સીલ્વાની રાજકિય કારકિર્દી ઉપર પૂર્ણવિરામ!
બ્રાઝીલના પૂર્વ રાષ્ટ્રપતિ લુઈસ ઈનાસિયો લુલા દે સીલ્વાને ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. સીલ્વા એક સમયના બ્રાઝીલના સૌથી પ્રખ્યાત નેતા ગણવામાં આવતા હતા અને રાજકીય ક્ષેત્રમાં પણ તેની છાપ ખુબ મહત્વપૂર્ણ ગણાતી હતી પરંતુ હવે ભ્રષ્ટાચારના કેસમાં ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવતા તેના પોલીટીકલ કમબેકના રસ્તા બંધ થયા હોવાનું લાગી રહ્યું છે.
બ્રાઝીલમાં સીલ્વાના ભ્રષ્ટાચાર બાબતે ૩ વર્ષ સુધી તપાસ ચાલી હતી. જેમાં અલગ-અલગ કંપનીઓને સરકારી ક્ષેત્રો પણ ઝપટે ચડયા હતા. એક એન્જીનીયરીંગ કંપની પાસેથી સીલ્વાએ ૩.૭ મિલીયન રેઈલ (બ્રાઝીલનું ચલણ) લાંચ તરીકે લીધા હોવાનો કેસ દાખલ થયો હતો. જે બાબતે તપાસ થયા બાદ સીલ્વા દોષિત ઠેરવાયા છે. કેસમાં ફેડરલ પ્રોસીકયુટરે દલીલ કરી હતી કે, સીલ્વાએ તેના કાર્યકાળ દરમિયાન મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યા છે અને આ ભ્રષ્ટાચારમાં અનેક લોકો પણ સંડોવાયેલા છે. આ પ્રવૃતિના કારણે બ્રાઝીલને ઘણી નુકસાની પણ વેઠવી પડી છે.