પૂર્વ રાષ્ટ્રપતિ-ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વમંત્રીઓ, ધારાસભ્યો તેમજ કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરિયર્સ-નાગરિકોને વિધાનસભા ગૃહમાં ભાવપૂર્વક શોકાંજલી આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વમંત્રીઓ, ધારાસભ્યો તેમજ કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરિયર્સ અને નાગરિકોને વિધાનસભા ગૃહમાં આજે પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત મંત્રીઓ અને ધારાસભ્યઓએ ભાવપૂર્વક શોકાંજલી અર્પી હતી.
વિધાનસભા સત્રના આજે પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ-ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ રાજ્ય મંત્રી સ્વ. ગીગાભાઇ ગોહિલ, પૂર્વ નાયબ મંત્રી સ્વ. જેશાભાઇ ગોરિયા, પૂર્વ સંસદીય સચિવ સ્વ. કૂરજીભાઇ ભેંસાણિયા, પૂર્વ સભ્ય સ્વ. નટુભાઇ ડાભી, સ્વ. વસંતભાઇ પટેલ, અને સ્વ. મણીલાલ ગાંધીને અવસાન અંગે શ્રદ્ધાંજલિ આપીને તેમને કરેલા સામાજિક સેવાના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહમાં કહ્યું હતું કે, વર્ષ ૧૯૮૧થી ૬ વર્ષ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીનું રાજકીય-સામાજિક સેવા ક્ષેત્રમાં ખૂબ મહત્વનું યોગદાન રહ્યું હતું. રાષ્ટ્રપતિ માટે મહામહિમ શબ્દની પ્રથાને સમાપ્ત કરવાનો તેઓએ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો.
તેમણે દુ:ખ સાથે કહ્યું હતું કે, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને અગ્રણી રાજપુરૂષ ભારત રત્ન પ્રણવ મુખર્જીનું તા. ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ૮૪ વર્ષની જૈફ વયે દુ:ખદ અવસાન થયુ છે. સ્વર્ગસ્થ મુખર્જીનો જન્મ ૧૧મી ડીસેમ્બર, ૧૯૩૫ના રોજ પશ્વિમ બંગાળ રાજ્યના બિરભૂમ જિલ્લાના મિરાતી ગામે થયો હતો. તેઓએ સુરી વિદ્યાસાગર કોલેજ, બિરભૂમમાંથી સ્નાતકની પદવી અને કલકત્તા યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્ર અને ઇતિહાસમાં અનુસ્નાતકની પદવી તથા કાયદાની પદવી મેળવી હતી. તેમની રાજકીય યાત્રામાં તેમણે આપેલ વિશિષ્ટ પ્રદાનની નોંધ લઈને ઘણી બધી નામી સંસ્થાઓ દ્વારા તેઓને માનદ ડોક્ટરેટની પદવી અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મુખર્જી સન ૧૯૬૯માં પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ સન ૧૯૭૫, ૧૯૮૧, ૧૯૯૩ અને ૧૯૯૯માં રાજ્યસભાના સભ્ય તરીકે તથા સન ૨૦૦૪ અને ૨૦૦૯માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખર્જીએ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભામાં કુલ-૪ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, વિશ્વબેન્ક, એશિયન ડેવલપમેન્ટ બેન્ક તથા આફ્રીકન ડેવલપમેન્ટ બેન્કના બોર્ડ ઓફ ગવર્નર તરીકે પણ વર્ષો સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. સન ૧૯૮૪માં તેઓએ આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ અને વિશ્વબેન્ક સાથે સંકળાયેલ ગૃપ-૨૪ની બેઠકની અધ્યક્ષતા કરી હતી તથા મે અને નવેમ્બર, ૧૯૯૫ની બેંચમાં તેમણે સાર્ક મંત્રી પરિષદની અધ્યક્ષતા પણ કરી હતી તેમ તેમને ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મુખર્જીએ રાજકીય તથા સામાજીક નીતિના ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યુ હતું, તેઓએ કેન્દ્ર સરકારમાં અનેકવિધ મંત્રાલયોના મંત્રી તરીકે અમૂલ્ય સેવાઓ આપી હતી. નાણા મંત્રી તરીકે ભારતના માલ અને સેવા કરના સમર્થક રહ્યા હતા. વિદેશ મંત્રી તરીકે તેઓએ અમેરિકા સાથે થયેલ ઐતિહાસિક પરમાણુ સંધીમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત મુખર્જીએ રક્ષા, વાણિજ્ય, વહાણવટુ અને વાહનવ્યવહાર, ઔદ્યોગિક વિકાસ, મહેસૂલ અને બેન્કિંગ જેવા અનેકવિધ મંત્રાલયોના મંત્રી તરીકે બહુમૂલ્ય સેવાઓ આપી હતી. મુખ્યમંત્રીએ વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ મુખર્જીએ ૨૫ જુલાઇ, ૨૦૧૨થી ૨૫મી જુલાઇ, ૨૦૧૭ સુધી ભારતના ૧૩મા રાષ્ટ્રપતિ તરીકે સેવાઓ આપી હતી. ૭૭ વર્ષની વયે ભારતના પ્રથમ નાગરિક બનેલ મુખર્જી લોકો સાથે જોડાવા અને રાષ્ટ્રપતિ ભવન સાથે લોકોની નિકટતા વધારવા સભાન પ્રયત્નો કર્યા હતા. મુખર્જીના ૫૦ વર્ષના રાજકિય અને સામાજિક યોગદાનને ધ્યાને રાખીને વર્ષ ૨૦૦૮માં પદ્મવિભુષણ તથા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ૨૦૧૯માં ભારતના સર્વોચ્ય નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.