લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્તિ અપાવવાની વાતો કરનારી પોલીસના અધિકારીઓ જ મજબૂરની મજબૂરીનો ફાયદો ઉઠાવી મિલ્કત પડાવી રહ્યા છે?
અબતક, રાજકોટ
રાજકોટ શહેરની એક નામાંકિત શૈક્ષણિક સંસ્થાના સંચાલક જે તે સમયે આર્થિક ભીંસમાં સંકળાઇ જતા એક ક્ષત્રિયને ચિત્રમાં લાવી શહેર પોલીસની ક્રીમ બ્રાન્ચના બે અધિકારીઓએ પ્રથમ આંઠ આંકડામાં શૈક્ષણિક સંસ્થાનો સોદો પાડ્યા બાદ અડધો અડધ રકમનો ચુનો ચોપડી દેતાં સંચાલકે ફરાર થઈ જવાનો વારો આવ્યો છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ પોલીસ જોરોશોરોથી લોક દરબાર યોજીને લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરાવવાની વાતો કરે છે અને બીજી બાજુ ક્રિમ બ્રાન્ચના જ અધિકારીઓ વ્યાજના ચકરડામાં ફસાયેલાંની મજબૂરીનો લાભ મેળવી તેની મિલ્કતો પડાવી લીધાનો ગણગણાટ થઈ રહ્યો છે.
રાજકોટ શહેરની “ક્રીમ” બ્રાન્ચ ક્રીમ વહીવટ પાડવામાં માહેર હોવાની ચર્ચા તો અનેક વાર સામે આવતી હોય છે પરંતુ જ્યાં બાળકોને શિક્ષણ અને અનુશાસનના પાઠ ભણાવવામાં આવે છે તે જ સંસ્થાના સોદામાં સંચાલક સાથે મોટી છેતરપિંડી ’ક્રીમ’ બ્રાન્ચના અધિકારીઓએ આચરી લીધાનું જોરોશોરોથી ચર્ચાઈ રહ્યું છે. જે તે સમયે શહેરની ’ક્રિમ’ બ્રાન્ચમાં ફરજ બજવતા બે અધિકારીઓની જોડીએ સમગ્ર કૌભાંડ આચર્યાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
એક અરજીના કામે આરોપી તરીકે આવેલા વૃશ્ચિક રાશિના ક્ષત્રિય શખ્સ અને ક્રિમ બ્રાન્ચના અધિકારીઓ સંપર્કમાં આવ્યા હતા. જે બાદ ક્ષત્રિય શખ્સે પોતે શૈક્ષણિક સંસ્થાના સંચાલકને વ્યાજે નાણાં આપ્યાની વાત કરતાં ક્રિમ બ્રાન્ચના અધિકારીઓના કાન ઉભા થઇ ગયા હતા.
શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ પૈકી એક અને જેના વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં છવાયાં છે તે જ સંસ્થાના સ્થાપક – સંચાલક આર્થિક ભીડમાં સંપડાતા તેમણે એક ક્ષત્રિય શખ્સ પાસેથી નાણાં વ્યાજે લીધા હતા. લાંબો સમય સુધી વ્યાજનું મીટર ભર્યા બાદ પણ અસલ રકમ ઉભી ને ઉભી રહેતા અંતે શાળાનો હવાલો ક્ષત્રિય શખ્સને સોંપી દેવા પોલીસ અધિકારીઓએ દબાણ કર્યું હતું. નાણાં નહીં હોવાથી મજબૂર થઈને સંચાલકે તેનો ૧૫૦ ફુટ રિંગ રોડથી તદ્દન નજીકનો ફ્લેટનો દસ્તાવેજ ક્ષત્રિય શખ્સને કરી દીધો હતો. તેમ છતાં નાણાંકીય વ્યવહાર પૂર્ણ નહીં થતા અંતે સંચાલકે એક ૮ આંકડાની રકમમાં શૈક્ષણિક સંકુલની ’પ્રતિષ્ઠા’નો સોદો પાડ્યો હતો.
૮ આંકડાની રકમમાં સોદો પાડયા બાદ સંચાલકને મન જાણે હવે તેનું દેણું ઉતરી જશે પરંતુ વહીવટના ’માસ્ટર’ સમાન અધિકારીઓએ કળા કરી જતા સંચાલકે ફરાર થઇ જવાનો વારો આવ્યો હતો. ૮ આંકડાની રકમમાં સોદો પડ્યા બાદ ’ક્રીમ’ બ્રાન્ચના અધિકારીઓએ અડધો અડધ રકમનો ચુનો ચોપડી દેતાં સંકુલ તો હાથમાંથી ગયું જ પણ દેણાના ચકરડા પણ પૂર્ણ થયા નહીં પરીણામે સંચાલકે ફરાર થઈ જવાનો વારો આવ્યો છે.
રૂ.૭ કરોડમાં નક્કી થયેલા સોદામાં આશરે ૩.૫ કરોડનો ‘ચુનો’ ચોપડી દેવાયો!!!
શૈક્ષણિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ નામાંકિત શૈક્ષણિક સંસ્થાનો સોદો આશરે રૂ. ૭ કરોડમાં નક્કી કરવામાં આવ્યો હતો. ’ક્રિમ’ બ્રાન્ચની ’બદનામ’ ચોકીમાં સોદો પડયાનું પણ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. રેકર્ડ પર સ્કુલનો સોદો પડી ગયા સુધીમાં આશરે રૂ. ૩ થી ૩.૫ કરોડની રકમની ચૂકવણી કરાઈ હતી. જેમાં અગાઉના ક્ષત્રિય શખ્સનું લેણું કપાત કરી લેવામાં આવ્યું હતું. જએ બાદ બાકી રહેતા આશરે રૂ. ૩.૫ કરોડની માંગણી કરતા સંચાલકને ઠેંગો બતાવી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. આ અધિકારીઓએ કરેલી ચિટિંગને લીધે સંચાલકના પગ તળે જમીન ખસી ગઈ હતી.
વ્યાજના ‘મીટર’ પેટે પણ મોટી રકમ પચાવી લેવાઈ!!
શૈક્ષણિક સંસ્થાની પ્રતિષ્ઠાના સોદામાં અગાઉ સંચાલકે ક્ષત્રિય શખ્સ પાસે જે રકમ વ્યાજે લીધેલી હતી તેનું વ્યાજ ચડી જતાં સંચાલકને દબાવીને મોટી રકમ વસૂલી લેવામાં આવી હતી. એક તો પોતાની સંસ્થા પણ ગુમાવી અને પૈસા પણ નહીં મળતા સંચાલકને તો પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે. હાથમાંથી પોતાનો વ્યવસાય પણ ગયો અને નાણાં પણ નહીં મળવાને લીધે સંચાલક હાલ તો બજાર મૂકી જતા રહ્યા છે પરંતુ હવે જો તેઓ આર્થિક ખેંચતાણને લીધે કોઈ અજુગતુ પગલું ભરે તો તેના જવાબદાર કોણ ? તે સવાલ ઉપજયો છે.
‘બદનામ’ ચોકીનું ‘લાંછનરૂપ’ કૃત્ય: પ્રાઈમ લોકેશનનો ફ્લેટ પણ પડાવી લેવાયાનો ગણગણાટ!!!
એક પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે જાણે પઠાણી ઉઘરાણી કરાતી હોય તે પ્રકારની ઉઘરાણી શૈક્ષણિક સંસ્થાના સંચાલક પાસે જાતે પોલીસે જ કરી હતી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એક તરફ પોલીસ પોતે જ લોક દરબાર યોજી લોકોને વ્યાજના ચક્રમાંથી મુક્તિ અપાવવાની જાહેરાત કરે છે અને બીજી બાજુ વ્યાજના વિષચક્રમાં ફસાયેલાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની મિલકત પોતે જ પચાવી લે છે તેવો ગણગણાટ પણ થઈ રહ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોએ પોતાની વ્યથા લઈને જવું તો જવું ક્યાં તે સવાલ પણ ઉદ્ભવ્યો છે. આ સમગ્ર લાંછનરૂપ કૃત્ય શહેરની એક બદનામ ચોકી ખાતેથી આચરવામાં આવ્યુ: હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે. આ ચોકી અગાઉ પણ અનેકવાર વિવાદ સંપડાઇ ચુકી છે.