ગુજરાતમાં મુખ્યમંત્રી પદના આગામી દાવા અંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતાએ જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીઓને લઇ જ્ઞાતિઓનો, સમુહોનો, જૂથોનો સળવળાટ શરૂ થયો છે. પાટીદારોએ માં ખોડલના મંદિરેથી રાજકીય અપેક્ષા રાખી ગુજરાતનો મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ એવી જાહેરાત નરેશ પટેલે કરી છે.
સ્વ.કેશુભાઇ પટેલ પછી પાટીદારોને સત્તામાં મહત્વના સ્થાનો મળ્યા ન હોવાની દલીલોને નકારતા પૂર્વ સાંસદ લલીતભાઇ મહેતા
ગુજરાતમાં પાટીદારોની વસ્તી 15% છે. (તળપદા-ચુંવાળીયા-ઠાકોર સમાજોની વસ્તી 22થી 23% છે.) પાટીદારોનો કરવેરા ભરવામાં વધુ હિસ્સો છે તેવી દલીલ પણ થઇ છે. (કોળી ઠાકોર સમુહો કરવેરાનો વધુ ભાર વહન કરે છે એ યાદ રાખીએ.)
સ્વ.કેશુભાઇ પટેલ પછી પાટીદારોને સત્તામાં મહત્વના સ્થાનો મળ્યા નથી એવી દલીલ પણ થઇ છે. શું કેશુભાઇ પટેલ પાટીદાર હતા એટલે ભાજપાએ મુખ્યમંત્રી બનાવ્યા હતાં ? ના, કેશુભાઇની જનસંઘ સ્થાપના કાળથી તપશ્ર્ચર્યા, પ્રજાહિતની યોજનાઓ ઘડવાની સક્ષમતા, જાહેરનાણાંનો ઉપયોગ સામાજીક સમરસતા સ્થાપવા, આર્થિક વિષમતા દૂર કરવા, ગુજરાતને સમૃધ્ધિ તરફ લઇ જવા, પ્રજાના વિવિધ વર્ગો સરકારને પોતાની ગણે તેવી વ્યવસ્થા ગોઠવવાની હૈયા ઉકલત, આગવી સૂઝ અને ભાજપા સંગઠન, સંઘની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા, એકાત્મ માનવદર્શનનું આર્થિક ચિંતન આવું ઘડતર હતું કેશુભાઇનું એટલે મુખ્યમંત્રીપદની જવાબદારી સોંપાઇ હતી. લોકશાહી રાજ્યવ્યવસ્થા આસ્તિકતા અને માનવનિષ્ઠા પર અવલંબિત જીવનદ્રષ્ટિ છે.
નરેશ પટેલ અને એકત્ર થયેલા પાટીદારો આ સૈધ્ધાંતિક મુદ્ો અને વ્યવહારિક અમલ કરવાની પાત્રતા ધરાવતા વ્યક્તિ તરીકે વિજય રૂપાણી પોતાની યોગ્યતા પૂરપાર કરી શક્યા નથી એવું સમજે છે ? ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, નીતીઓ અને કાર્યક્રમો હંમેશા જ્ઞાતિવાદથી બચવા, પ્રદેશવાદથી બચવા, સ્વને ભૂલી સર્વ માટે સમર્પિત થવાની તત્પરતા ધરાવતો કાર્યકર્તા પાર્ટીના સંગઠનમાં કે સત્તામાં જાય એ હોવા સાથે સત્તામાં બેઠેલા મુખ્યમંત્રી કે મંત્રીઓ વહીવટમાં કુશળ, લોભ-લાલચમાં ન ફસાય, પ્રજાકીય પ્રશ્નોને સમજે, યોગ્ય નીતીઘડતર કરી લોકકલ્યાણ સાધી શકે તેવા હોવા જોઇએ. શું વિજય રૂપાણી આ કસોટીમાંથી પસાર થયા નથી ?
ચુંટણીઓ લોકશિક્ષણનું પર્વ છે, મતદારો પોતા કરતાં પક્ષ, પક્ષ કરતાં રાજ્યનું હિત-રાષ્ટ્રનું હિત પ્રથમ ગણે એવા ઉમેદાવારોને મત આપે છે જે ધારાસભ્ય તરીકે ચુંટાય અને આવા બહુમતિ મેળવતા પક્ષના ધારાસભ્યો પોતાનો નેતા-મુખ્યમંત્રી-ચૂંટે છે. આ પ્રક્રિયામાંથી પસાર થનાર પાટીદાર આગેવાન જો ભાજપાના હશે તો અવશ્ય મુખ્યમંત્રી બની શકે. પરંતુ માત્ર જ્ઞાતિવાદ, વસ્તીમાં બહુલતા કે સરકારી તીજોરીમાં યોગદાનએ મુખ્યમંત્રી પદનો માપદંડ ક્યારેય બની શકે નહિં.
જો પાટીદાર આગેવાનો ભારતીય જનતા પાર્ટી તરફ નિર્દેશ કરી, મુખ્યમંત્રી પદની દાવેદારી કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા નિતિઓ, કાર્યક્રમો, સંગઠનની સર્વોપરિતાની અલગ ઓળખ ધ્યાનમાં લઇ પોતાની લાગણી અને માંગણી પાર્ટીના ફોરમમાં જરૂર રજૂ કરે તેમ પૂર્વ સાંસદ (રાજ્યસભા) લલીતભાઇ મહેતાએ એક યાદીમાં જણાવ્યું છે.