હાઇકોર્ટ એક લાખના શરતી જામીન મંજુર કર્યા : પરવાનગી વગર દેશની બહાર નહી જઈ શકે

ગુજરાતમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીએ સીબીઆઈ કોર્ટ મારફત ફટકારવામાં આવેલી સજા બાબતે હાઈકોર્ટમાં કરેલી અપીલને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે બન્ને પક્ષ તરફથી દલીલો સાંભળી હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. કોર્ટે દિનુ બોગા સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે, જ્યારે એક લાખ રૂપિયાના જામીન પર તેમને છોડવા હુકમ કર્યો છે.

આ તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું કે અમિત જેઠવાએ એ જ દિવસે હાઇકોર્ટમાં જૂનાગઢના ગીરનાં જંગલોમાં ચાલી રહેલા ગેરકાયદે ખનન અંગે પીઆઇએલ કરી હતી. અમિત જેઠવાની હત્યા પાછળ દિનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિતના પિતા ભીખાભાઇએ કર્યો હતો. આ ઘટનામાં પોલીસે ભાજપના તત્કાલીન સાંસદ દિનુ સોલંકી અને તેના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે દિનુ બોઘા સોલંકીને ક્લીન ચિટ આપી દેતાં આ તપાસ સુરેન્દ્રનગરના એસપી રાઘવેન્દ્ર વત્સને સોંપાઇ હતી.

રાઘવેન્દ્ર વત્સે દિનુ બોઘા સોલંકીને ક્લીનચિટ આપતા 2012માં તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. કોર્ટે ત્યાર બાદ સીબીઆઇને કેસ સુપરત કરવાનો હુકમ કર્યો હતો. 2013માં સીબીઆઇએ તપાસ કરી દિનુ સોલંકીની ધરપકડ કરી હતી.આ કેસની સુનાવણી દરમિયાન 192 સાક્ષીમાંથી 155 સાક્ષી ફરી ગયા હતા. મોટી સંખ્યામાં સાક્ષીઓ ફરી જતાં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને ધ્યાને રાખી હાઇકોર્ટે મહત્ત્વના 27 સાક્ષીને રિકોલ કર્યા હતા. રિકોલ કરાયેલા દિનુ બોઘાના ફાર્મ હાઉસના નોકર રામા આઝા સહિત 27 સાક્ષીની સીબીઆઇ કોર્ટમાં ફરીથી જુબાની લેવાઈ હતી, જેમાં પણ આ સાક્ષીઓ પોતાની જુબાનીમાં ફરી ગયા હતા.

દોષિતો દંડની રકમ નહીં ભરે તો તેમને વધુ ત્રણ વર્ષની સજાનો પણ કોર્ટે આદેશ આપ્યો છે. અમદાવાદ ખાતે 2010ની 20મી જુલાઈના રોજ હાઇકોર્ટ નજીક અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. ગીર વિસ્તારમાં ગેરકાયદે ખનન વિરુદ્ધના અભિયાન બદલ અમિત જેઠવાની હત્યા થઈ હતી. દિનુ બોઘા સોલંકી વર્ષ 2009થી 2014 સુધી જૂનાગઢના સાંસદ હતા. કોર્ટે દિનુ બોઘા સોલંકીને આઇપીસીની કલમ-302 અને 120-બી હેઠળ પૂર્વ આયોજિત કાવતરું ઘડવાના આરોપમાં આજીવનકેદની સજા અને 15 લાખનો દંડ ફટકાર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.