કાલાવડના પૂર્વ ધારાસભ્ય અને ધ્રોલમાં રહેતા મેઘજીભાઇ ચાવડાએ પુત્રીને વિદેશ અભ્યાસ માટે મોકલવા સગા સંબંધી પાસેથી ઉછીના નાણા લઇ ફી ભરી : લોકડાઉનના કારણે બેવડી ચિંતામાં વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું
કાલાવડના પૂર્વ ધારાસભ્ય અને હાલ ધ્રોલ ખાતે રહેતા મેઘજીભાઇ ચાવડાના પરિવારમાં પુત્રીએ ગળેફાંસે ખાઇ જીવન ટુંકાવી નાખતા ધેરો શોક વ્યાપી ગયો હતો. જામનગરના ધ્રોલમાં ગઇકાલે કરૂણ બનાવ બન્યો હતો દલીત પરિવારની યુવતિ લોકડાઉનના કારણે કેનેડા અભ્યાસ અર્થે જઇ નહિ શકતા અને પિતાએ સગા સંબંધી પાસેથી નાણાં ઉછીના લઇ પુત્રીની ફી ભરી હોવાથી પિતા નાણા કયારે પરત કરી શકે તેવી બેવડી ચિંતામાં વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં કરૂણ કલ્પાંત સજાર્યે છે.
બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહીતી મુજબ જામનગરના ધ્રોલમાં ફુલવાડી રોડ પર રહેતા અને કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ સમરાભાઇ ચાવડાની પુત્રી રીઘ્ધીબેન (ઉ.વ.ર૪) એ હાલ બી.ઇ. એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કરેલો હોય પુત્રી રીઘ્ધીને ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા જવું હોય ત્યારે પિતા મેધજીભાઇ એ સગા સંબંધી પાસેથી નાણા ઉછીના લઇ કેનડામાં પુત્રીની ઉચ્ચ અભ્યાસ અર્થે ફી ભરી બાદમાં પુત્રીને કેનેડા મોકલવાની હોય તે દરખાસ્ત કોરોના મહામારીના કારણે લોકડાઉન થતાં રીઘ્ધીબેન ઉચ્ચ અભ્યાસ અર્થે કેનેડા નહિ જઇ શકતા અને લોકડાઉનના કારણે કયારે જઇ શકશે? અને પિતાએ ઉછીના લીધેલા નાણા કયારે પરત કરી શકે તેવી બેવડી ચિંતામાં રીઘ્ધીએ ગઇકાલે પોતાના ઘરે હતી ત્યારે પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો.
બનાવ બાદ પરિવારજનોએ ધ્રોલ પોલીસને જાણ કરતા પી.એસ.આઇ.સી.એમ.કાઁટેલીયા તથા એએસઆઇ એમ.વી.મોરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ પ્રાથમીક તપાસ હાથ ધરી લાશને પી.એમ.અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.