પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર સમાજના વરિષ્ઠ આગેવાન હનુભાઇ ધોરાજીયાને વિધિવત્ રીતે ખેસ પહેરાવી ભાજપામાં સ્વાગત કરતા જણાવ્યુ હતુ કે, હનુભાઇ ધોરાજીયા પાટીદાર સમાજના વરિષ્ઠ અગ્રણી અને સામાજીક આગેવાન છે.
વર્ષોથી તેઓ અનેક પ્રકારની સામાજીક સેવાકિય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહ્યા છે. સમગ્ર અમરેલી જીલ્લામાં તેઓ ખૂબ મોટી લોકચાહના ધરાવે છે. પાટીદાર સમાજના ભામાશા તરીકે ઓળખાતા હનુભાઇ ધોરાજીયા સુરતના હિરાઉદ્યોગમાં પણ ખૂબ મોટી નામના ધરાવે છે. તેઓના ભાજપામાં જોડાવાથી ભાજપાની શક્તિમાં ઉમેરો થયો છે.
ભાજપામાં પ્રવેશ પ્રસંગે હનુભાઇએ જણાવ્યુ હતુ કે, સમાજની લાગણીને કારણે હું પાટીદાર અનામત આંદોલનમાં જોડાયો હતો, હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિને મેં ખૂબ મદદ કરી હતી, પરંતુ શરૂઆતમાં આ કોઇ રાજકીય આંદોલન નથી તેવું કહેનારાઓ કોંગ્રેસનો હાથો બની ગયા અને માત્રને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ ખાતર ખુલ્લેઆમ કોંગ્રેસને સાથ આપવા લાગ્યા અને હવે તો કોંગ્રેસમાં જોડાઇ પાટીદાર સમાજ સાથે દગો કર્યો તે હવે સ્પષ્ટ થઇ ગયુ છે.
હનુભાઇએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આજે સમગ્ર દેશ અને દુનિયાના સૌથી વધુ લોકપ્રિય નેતા છે, તેમના હાથમાં આપણો દેશ સલામત છે ત્યારે, ભાજપાની રાષ્ટ્રવાદી વિચારધારા અને વિકાસની રાજનીતિ સાથે જોડાઇને દેશહિત સાથે જનસેવાના કાર્યો કરવા માંગુ છું.આ પ્રસંગે અમદાવાદના ધારાસભ્ય અને પૂર્વમંત્રી વલ્લભભાઇ કાકડીયા તથા ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા.