સ્વચ્છતાને મહત્વ આપવાની સાથે સાથે ભાવનામાં લાઈવ કાર્યક્રમો ટાળવા અનુરોધ
પવિત્ર શ્રાવણ માસનાં છેલ્લા દિવસોમાં જૈનોનાં મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પૂર્વ રાજયમંત્રી, પૂર્વ ધારાસભ્ય અને ક.વિ.ઓ. જૈન મહાજન ભુજનાં અધ્યક્ષ તારાચંદભાઈ છેડા, સરદાર સરોવર નર્મદા નિગમનાં ડાયરેકટર અને પૂર્વ ધારાસભ્ય મુકેશભાઈ ઝવેરી તથા પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જૈન સમાજને ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા બહાર પડેલ જાહેરનામા મુજબ સરકારની ગાઈડલાઈનનો અમલ કરવા જણાવ્યું છે.
ભકતો કોઈપણ જાતનાં સ્તવનો પોતાના મોઢાથી જાહેરમાં કે ભાવનામાં ગાઈ શકશે નહીં. કારણકે કોવિડ-૧૯ વાયરસ સૌથી વધુ મોઢા-નાક દ્વારા ફેલાય છે. ધાર્મિક સ્થળોએ એકબીજાને ભેટવાની મનાઈ છે. ધાર્મિક ક્રિયાઓમાં વપરાતી કોમન શેત્રંજી વાપરી શકાશે નહીં. ધાર્મિક સ્થળોનાં સંચાલકો ગંદકી ન ફેલાય અને રોગચાળો ન ફેલાય તે માટે પગલા લેવા જવાબદાર રહેશે. ધાર્મિક સ્થળોની ગર્ભગૃહ કે ગંભરા, પુજા ભાવના સ્થળો વારંવાર સાફ કરાવવા. પર્યુષણ પર્વ દરમ્યાન કયાં પણ સમૂહમાં ભેગા થવું નહીં. સમૂહ ભોજન-સંઘ જમણ યોજી શકાશે નહીં. કલ્પસૂત્ર-પારણા વરઘોડા તથા રાત્રી જાગરણ યોજી શકાશે નહીં. જયારે કચ્છમાં દિન-પ્રતિદિન કોરોના સંકટ વધી રહ્યું છે. લોકલ સંક્રમણ તેજ બની રહ્યું છે. તેની સામે જાગૃત બની સમુહમાં એકઠા થવાનું ટાળી સરકારની જે ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે તેનો ચુસ્તપણે અમલ કરી ઘેર બેસી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ ઉજવીએ. ઘરમાં સુરક્ષિત રહી કોરોનાથી બચો તેવી જૈન સમાજને આ ત્રણે પૂર્વ ધારાસભ્યઓ દ્વારા આગ્રભરી અપીલ કરવામાં આવી છે.