જે જગ્યાએ લીઝ મંજૂર થયેલ છે તેને બદલે અન્ય જગ્યાએ રેતી ખનન થાય છે: 30 થી 35 ટનના ટ્રકો ચાલે છે જે માર્ગ પરિવહનના નિયમ વિરુધ્ધ છે

ઉપલેટા-ધોરાજી પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે. આ અંગે તંત્રને સમગ્ર જાણ હોવા છતાં ચુપ છે. ખાણ ખનીજ ખાતા દ્વારા બેફામ બનેલા ભૂમાફિયા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે અંગે પૂર્વ મંત્રી બળવંત મણવરે મુખ્યમંત્રીને સંબોધી મામલતદારને આવેદન પાઠવ્યું છે. આ સાથે બહોળી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા અને ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા ઉગ્ર માંગ કરી હતી.

આવેદનમાં જણાવ્યું છે કે, જે જગ્યાએ લીઝ મંજુર થયેલ છે, તેને બદલે અન્ય જગ્યાએ રેતી ખનન કરે છે. 30 થી 35 ટનના ટૂકો ચલાવે છે, જે માર્ગ પરિવહન ના નિયમ વિરુદ્ધ છે. ડુમિયાણીના નવા ટોલ પ્લાઝાથી આ ટ્રકો પસાર થાય છે, તે માર્ગ માત્રને માત્ર પંચાયતનો ગાડા માર્ગ છે, જેથી આ ગાડા માર્ગ ઉપર કોમર્શિયલ વ્યવસાય માટે ટ્રકો ચલાવી શકે નહીં. આ ટ્રકો ચાલવાથી સિમેન્ટ રોડ સંપૂર્ણ નાશ થઈ ગયો છે.મજૂરો ડ્રાઇવરો ટોલ પ્લાઝા પાસે બનાવેલ ઝુંપડી માં પડ્યા રહે છે,  પિપલ્સ વેલફેર સોસાયટી સંસ્થામાં ઘણા બધા યુનિટો ચાલે છે અને આ રસ્તા ઉપર ટોલ પ્લાઝા થી સંસ્થા સુધી બેન-દીકરીઓ આવન-જાવન કરે છે. ત્યાં બેઠેલા ડ્રાઇવરો અને મજુરોના અયોગ્ય ભાષાથી ડરે છે અને ભય પામે છે. વાલીઓની ફરિયાદ પણ આવે છે.

તો આવા લોકો ત્યાં બેસવા ન જોઈએ. એક રોયલ્ટી પહોંચનો અનેક વખત ઉપયોગ કરે છે. લોકોને ત્રાસ પડે છે. દર વર્ષે સરકારને રોડ રસ્તા બનાવવાની નુકસાન થાય છે. રેતી ખનનની પ્રક્રિયા 70% ગેરકાયદેસર છે, ખનનની જગ્યાએ વજન કાંટો મળતો નથી, મજૂરોની સલામતીની સુવિધા હોતી નથી, એક રોયલ્ટી ઉપર દસ વખત ટ્રકના ફેરા નાખે છે, ડુપ્લીકેટ રોયલ્ટી પહોંચ બનાવે છે. રેતી ખનન કરનારને સરકાર દ્વારા લીઝની મંજુરી આપવામાં આવે છે, જે જગ્યાએ લીઝની મંજુરી મળી હોય, તે જગ્યાએ માત્ર પથ્થર જ હોય છે પણ મંજૂર થયેલી જગ્યાને બદલે અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે. 10 થી 16 ટન પરિવહનનો નિયમ છે, છતાં 35 થી 40 ટન રેતી ભરે છે, એ પણ નિયમનો ભંગ છે, રોયલ્ટી ટને માત્ર 50 રૂપિયાની આસપાસ હોય છે અને એક ટન રેતીના રાજકોટ ખાતેના રૂપિયા 4000 રેતી માફિયાઓને મળે છે.

આ બધા રેતી પોઈટ ઉપર રોજના 1000 ગાડી રેતી ખનન કરી પરિવહન કરે છે, આસપાસના મોટા શહેરોમાં પહોંચાડે છે. નફા નુકસાનનું ગણિત કરીએ તો સરકારને રોડ-રસ્તામાં લાખો રૂપિયાનું નુકસાન જાય છે. આવક મામૂલી છે, આટલું મોટું નુકસાનીનો ધંધો પ્રજાના પૈસાથી થાય છે. રેતી ખનન માફિયા ગામડાની ગૌચરમાંથી અને સરકારની પડતર ખરાબામાંથી અનેક રસ્તાઓ કાઢે છે, જેને કારણે માલધારી ભાઈઓના ઢોરઢાંખર માટેનું ચારણ નાશ પામે છે.

જ્યારે જ્યારે ગામડાના લોકો વિરોધ કરે છે ત્યારે ત્યારે મામલતદાર, પોલીસ તંત્ર, ડેપ્યુટી કલેક્ટર અને ખાણ ખનીજ કક્ષાએથી ફરિયાદનો નિકાલ કરવા તપાસ કરે, રેડ પાડે અને વધારે કિસ્સામાં ખાલી હાથે પાછા જાય છે અને જણાવે છે કે અહીંયા કોઈ રણીધણી નથી, કોને પકડવા? નીલ પંચનામું કરે છે અને પરત ફરે છે, કારણ એ છે કે રેડ પાડનાર કચેરીમાંથી સરકારી કર્મચારીઓ જ રેતી ખનન માફિયાઓને જાણ કરે છે કે અમો રેડ પાડવા આવીએ છીએ એટલે રેતી માફિયાઓ સગેવગે થઈ જાય છે અને કોઈ દેખાય નહી, પણ ખરા અર્થમાં રેડ પાડવી હોય તો રેતીના ટ્રકના નંબર મેળવવા સહેલા છે, રેતી કાઢવાની જગ્યાએ રેતીના ઢગલા, રેતી કાઢવાના સાધનો જેવા કે પોકલેન્ડ, ડોઝર, ટ્રેક્ટરો, ટ્રક જેવા સાધનો પડ્યા જ હોય છે, જો એનો કબજો લઈ લે તો નામ પણ મળી જાય અને બધી વિગતો પણ મળી જાય, પરંતુ જુગારના અડ્ડામાં જેમ જાણ થઈ જતી હોય, તેમ અહી અધિકારી દ્વારા છુપી જાણું થઈ જવાથી બધા રેતી ખનનું કરનાર માફિયાઓ સગેવગે થઈ જાય છે.

ઉપલેટા-ધોરાજી વિસ્તારના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ ખુબ જ સરકારમાં રજુઆત કરી છે, છતાં આ સમસ્યા હલ થઈ નથી.નદીઓના કાંઠે જે ગામડા વસે છે અને નદીના કાંઠા ઉપર બે બે કિલોમીટર સુધી ખેતીની જમીન છે, તેમાં ભાદર નદીમાંથી પાણી સીધું લિફ્ટ ફરી સિંચાઈ થતી હતી, બોર કુવામાં સિંચાઈ થતી હતી, આજે રેતી ખનનથી ભુગર્ભમાં પાણી ધટતા અને નદીમાં પાણી ન રહેતા કુવા કે બોર રીચાર્જ થતા નથી. ખેડૂતો ત્રણ પાક લેતા, અત્યારે માંડ એક જ પાક લે છે. ખેડૂતોની આવકમાં મોટી નુકશાની થાય છે. નદીના તટમાં કુવો કરીને કુવાના કાંઠાઓ બાંધીને, રીંગ. નાખીને ખેડૂતો સિંચાઈ કરતા હતા, એ રિંગો પણ આ રેતી ખનન માફીયાઓએ રેતી કાઢવા માટે તોડી નાખી છે. ખેડૂતોને કંગાળ બનાવ્યા છે.

રેતી માફિયાઓ દ્વારા રેતી ખનન કરતા સ્થળો

ભાદર નદી કાંઠાના ગામો: ઉમિયાણી, ભોળા, ભોલગામડા, ચીખલિયા, હાડફોડી, સમઢિયાળા, કુંઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા, ગાધા, ઇસરા, તલગણા, ગણોદ.વેણુ નદી કાંઠાના ગામો: વરજાંગજાળીયા, નાગવદર, નિલાખા, મેખાટીંબી, ગધેથડ.મોજ નદી કાંઠાના ગામો: ભાંખ, કલારીયા, જામ ટીંબડી, સોડવદર, ઝાંઝમેર, સુપેડી. સેંકડો ટન રેતી રોજ કાઢે છે. કુલ રૂપિયા 7 કરોડની દરરોજ રેતી કાઢે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.