સિવિલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનો માટે ઈવનીંગ પોઈન્ટ,
સીનીયર સીટીઝન પાર્કમાં વિનામૂલ્યે નાસ્તા-ભોજનની વ્યવસ્થા
સમાજના સુખી અને સાધન-સંપન્ન લોકોની જરૂરિયાતમંદ સમાજ માટે કશુંક કરવાની નૈતિક જવાબદારી છે, અને આવી જ જવાબદારી બખૂબી નિભાવી રહયા છે રાજકોટના અનેક આગેવાનો અને દાતાઓ. સિવિલ હોસ્પિટલમાં કોરોના સહિતની બીમારીઓના દાખલ દર્દીઓના પરિવારજનો, સગા-સબંધીઓ માટે નાસ્તો અને ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા રાજકોટની ચૌધરી હાઇસ્કુલની બાજુમાં આવેલ ઇવનીંગ પોસ્ટ, સીનિયર સિટિઝન પાર્કમાં પૂર્વ મેયર અને બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી ઉદયભાઇ કાનગડ તેમજ સોની સમાજના આગેવાનશ્રી દિલિપભાઇ આડેસરાના સૌજન્યથી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી શરૂ થયેલ આ વ્યવસ્થા દર્દીઓના સગાઓ માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થઇ રહી છે. અને દર્દીઓના સગાઓ તેનો લાભ પણ લઇ રહયા છે.
દર્દીઓનાં સગાઓ બેસીને જમી શકે તે માટે ટેબલ-ખુરશીની સુંદર વ્યવસ્થાઓ
જેમાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા દરમિયાન અવિરત નાસ્તો જેમાં ચા, પાણી, બુંદી, ગાંઠિયા આપવામાં આવે છે. અને સાંજે 6 થી 8 સુધી ભોજન કે જેમાં ખીચડી, કઢી, બટેકાનું શાક વગેરે આપવામાં આવે છે. દર્દીઓના સગાઓ આ સ્થળે બેસીને પણ જમી શકે તે માટે ટેબલ-ખુરશીની સુંદર વ્યવસ્થાઓ પણ ઉભી કરાઇ છે. તેમજ ત્યાંથી ભોજન ઘરે પણ લઇ જઇ શકાય છે. ઇવનીંગ પોસ્ટ, સીનિયર સિટિઝન પાર્કમાં કલેકટરશ્રી રેમ્યા મોહનની મંજૂરીથી અમે ભોજન અને નાસ્તાની વ્યવસ્થાઓ ઉભી કરી શકયા છીએ, તેમશ્રી ઉદયભાઇ કાનગડે જણાવ્યુ હતું. આ સેવા યજ્ઞમાં શ્રી વિનુભાઇ વઢવાણા, જતીનભાઇ આડેસરા, દુર્ગેશભાઇ આડેસરા, અશોકભાઇ પાટડિયા, વિરેનભાઇ પારેખ, મિલનભાઇ પાટડિયા, અશ્વિનભાઇ રાણપરા, હરેશભાઇ પારેખ, રાકેશભાઇ અધ્યારૂ, નિલેશભાઇ જલુ(નગર સેવક) વગેરે જહેમત ઉઠાવી રહયા છે.
ભાજપ પક્ષ હંમેશા લોકોની વચ્ચે અને સાથે ઉભો રહ્યો છે: નીતિનભાઈ ભારદ્વાજ
ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, લોકોની વચ્ચે અને લોકોની સાથે હંમેશા ભાજપ પક્ષ ઉભો રહ્યો છે. આ કપરા સમયની અંદર અમારા દરેક કાર્યકર્તાઓ અને અગ્રણીઓને વ્યકિતગત જવાબદારી લીધી છે. અમારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વ હેઠળ સેવા એજ સંકલ્પ નીતિથી સમગ્ર રાજયમાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓની સાથે જ તેમનો પરિવાર રાત-દિવસ ત્યાં તેમની સાથે ખડેપગે ઉભો હોય છે.
જરૂરીયાતમંદ લોકોની વહારે ભાજપના અગ્રણી સતત ખડેપગે: રામભાઇ મોકરીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, સંત, સુરાની ભૂમિ સૌરાષ્ટ્ર પર જ્યારે પણ કપરો સમય આવ્યો છે ત્યારે દુખીયા અને જરૂરીયાતમંદ લોકોની વહારે ભાજપના અગ્રણીથી લઇ કાર્યકર્તાઓ તેમની સેવામાં તત્પર રહે છે. ત્યારે ઉદયભાઇ દ્વારા આ સેવાયજ્ઞ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય કામગીરી કહી શકાય. કોરોનામાં આ રીતે જે પહોંચતા વ્યક્તિઓ છે તે આગળ આવીને સેવા કાર્યો કરી જરૂરીયાતમંદ દર્દીઓની વહારે આવે.
ભારતીય જનતા પાર્ટીની સેવા એજ સંકલ્પ નીતિ લોકો માટે રહેશે: ઉદયભાઇ કાનગડ
ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રુમખ ઉદયભાઇ કાનગડે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કપરા સમયમાં લોકોની સેવામાં ભારતીય જનતાપક્ષના અગ્રણીથી લઇ કાર્યકર્તાઓ ખડેપગે રહે છે. છેલ્લા ઘણા સમયથી આ મહામારીથી સમગ્ર દેશ પીડાઇ રહ્યો હોય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનો માટે મને વિચાર આવ્યો કે, તેઓના સ્વાસ્થ્યની જાળવણી થઇ શકે તેવા હેતુથી વિનામૂલ્યે ચા, પાણી, નાસ્તા તથા ભોજનની વ્યવસ્થાનું આયોજન કર્યું. અમારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની નીતિ અનુસાર જન સેવા કલ્યાણ કરવાનો અમારો હેતુ રહે છે. શ્રીમાળી સોની સમાજ સારાંશ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના દીલીપભાઇ આડેસરા પણ સહયોગી બન્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે અમે વિઝિટિંગ કાર્ડ આપીએ છીએ ત્યારબાદ તેઓ અમારે આ વિનામૂલ્યે ચા, પાણી, નાસ્તાની અને ભોજનનો લાભ લઇ શકે છે.