જૂનાગઢમાંથી આજે એક ખુનનો કેસ સામે આવ્યો છે. જેમાં કોઈની પણ બીક રાખ્યા વગર સરાજાહેરમાં હત્યા કરવામાં આવી છે. જે શખ્સની હત્યા કરવામાં આવી છે, તે પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશ પરમાર છે.જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની બીલખા રોડ પર સરાજાહેર હત્યા કરવામાં આવી છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમાર પર અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી છે. ધર્મેશ પરમાર પણ જુનાગઢ મહાપાલિકામાં પૂર્વ નગરસેવક તરીકે ફરજ બજાવી ચુક્યા છે.
બીલખા રોડ પરના રામનિવાસ ખાસે ધર્મેશ પર હુમલો થયો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી ગયો હતો. હાલ પોલીસ દ્વારા ઘટનાની તાપસ હાથ ધરાય છે, અને અજાણ્યા શખ્સોની શોધખોળ ચાલુ છે.આ હત્યાને પગલે જૂનાગઢ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, બીજી બાજુ અનુસૂચિત જાતિના લોકો આ ઘટનાના પગલે આજે મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા અને જ્યાં સુધી આ હત્યાના મુખ્ય આરોપીઓ ઝડપાઈ નહિ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે.
જાણવા મળતી વિગતો અનુસાર જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના 42 વર્ષીય પુત્ર ધર્મેશ લાખાભાઈ પરમારને આજે બપોરના બાર વાગ્યાના અરસામાં શહેરના બિલખા રોડ ઉપર આવેલા રામ નિવાસ નજીક હત્યા થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ-ડિવીઝન પી.આઇ તથા એલસીબી અને એસઓજીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હત્યારાઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઇ હતી.
બીજી બાજુ મૃતક ધર્મેશ પરમારના પરિવારજનો દ્વારા એવા આક્ષેપો થઈ રહ્યા છે કે, આજે મૃતક ધર્મેશભાઈ બિલખા રોડ ઉપર રામ નિવાસ વિસ્તારમાં ગયેલ હતા ત્યારે 20 થી 25 જણાના ટોળાએ ધર્મેશભાઈ અને તેમના ભાઈ ઉપર હુમલો કરી દીધો હતો, જેમાં ધર્મેશભાઈ ઉપર ઘાતક હથિયારો વડે જીવલેણ ઘા મારી દીધા હતા ત્યારે જીવ બચાવી ધર્મેશભાઈનો ભાઈ ત્યાંથી દોડી તેમના પરિવારજનો સાથે ફરી ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ધર્મેશભાઈ ને લઈને તાત્કાલિ ક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે દરમિયાન ધર્મેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જૂનાગઢ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. જે દરમિયાન પૂર્વ લાખાભાઈ પરમાર, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, રાજકીય અગ્રણી બટુક મકવાણા, ધારાસભ્યના પુત્ર મનોજભાઈ જોશી તથા શહેરના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બીજી બાજુ જૂનાગઢના વિભાગીય ડી.આઇ.જી તથા ડીવાયએસપી સહિતનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ આ હત્યા ના હત્યારાઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી.
જો કે મરણ જનાર ધર્મેશભાઈ લાખાભાઈ પરમારના પરિવારજનો દ્વારા જ્યાં સુધી આ કામના મુખ્ય હત્યારાઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવા ઇનકાર કરી દીધો છે.જૂનાગઢમાં અનુસૂચિત જાતિના કોંગ્રેસી ધુવાધાર અગ્રણી ધર્મેશ લાખાભાઈ પરમારની હત્યાના પગલે પોલીસ દ્વારા તેમના નિવાસસ્થાન અને આંબેડકર નગર તથા રામનિવાસ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે હોસ્પિટલ ખાતે પણ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે.જો કે આ લખાય છે ત્યારે મરણ જનાર ધર્મેશભાઈ પરમારના પરિવારજનો અને અનુસૂચિત જાતિના આગેવાનો તથા લોકો આંબેડકર નગર ખાતે ધર્મેશ ભાઈના ઘરે પહોંચ્યા છે અને હાલમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.