હાઇકોર્ટે જામીન અરજીની સુનાવણી પુર્વે નોટિસ કાઢી સરકારનો જવાબ માગ્યો
જામનગરના જામજોધપુર ખાતે ૧૯૯૦માં કસ્ટોડિયલ ડેથના કેસમાં જામનગર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પી.એસ.આઇ. પ્રવિણસિંહ ઝાલાને આજીવન કેદની સજા ફટકાર્યા બાદ સંજીવ ભટ્ટે સજા સામે અપીલ દાખલ કરી જામીન પર છુટવા હાઇકોર્ટમાં અરજી કરતા રાજયની વડી અદાલતે જામીન અરજીની સુનાવણી માટે સરકારને નોટિસ કાઢી છે.
૧૯૯૦માં ભારત બંધના એલાન દરમિયાન જામજોધપુર ખાતે તોડફોડ કરતા ૧૩૪ની પોલીસે અટકાયત કરી હતી. જે પૈકી પ્રભુદાસ વૈષ્નાણીનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. પ્રભુદાસ વૈષ્નાણીના મોતના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડતા તે સમય જામજોધપુર ખાતે ડીવાય.એસ.પી.તરીકે ફરજ બજાવતા આઇપીએસ સંજીવ ભટ્ટ, પી.એસ.આઇ. પ્રવિણસિંહ ઝાલા સહિતના પોલીસ સ્ટાફ સામે ગુનો નોંધાયા બાદ લાંબા સમયના કાનૂની જંગ બાદ બંનેને આજીવન કેદની જામનગર કોર્ટે સજા ફટકારી હતી.
જામનગર કોર્ટના ચુકાદા સામે પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે. અને પોતાને જામીન પર છોડવા અરજી કરી છે.
જામીન અરજીની સુનાવણી માટે હાઇકોર્ટ દ્વારા સરકારને નોટિસ ઇસ્યુ કરી છે.