- 1997ના કેસમાં પુરાવાના અભાવે પોરબંદરની કોર્ટે આપ્યો ચુકાદો
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મળી મોટી રાહત મળી છે જેમાં કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.વર્ષ 1997ના કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં ભટ્ટને રાહત મળી છે,પોરબંદરની કોર્ટે કસ્ટોડિયલ ટોર્ચર કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે પરંતુ સંજીવ ભટ્ટ અન્ય ગુનાઓને લઈ હજી પણ જેલ કાપી રહ્યાં છે,એક કેસમાં રાહત મળી છે જયારે અન્ય કેસો કોર્ટમાં ચાલી રહ્યાં છે.
એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ મુકેશ પંડ્યાએ શનિવારે પોરબંદરના તત્કાલિન પોલીસ અધિક્ષક (એસપી) સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા હતા. તેમની વિરુદ્ધ આરોપીની કબૂલાત મેળવવા માટે ગંભીર ઇજા પહોંચાડવા સંબંધિત કલમો અને અન્ય જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પુરાવાના અભાવને કારણે શંકાનો લાભ આપીને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતાં.
આદેશ જાહેર કરતી વખતે, કોર્ટે જણાવ્યું હતું કે, આ કેસમાં જાહેર સેવક તરીકે ફરજ બજાવતા આરોપી સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નથી. સંજીવ ભટ્ટ અને કોન્સ્ટેબલ વજુભાઈ ચાઉ (જેમની સામે કેસ તેમના મૃત્યુ પછી પડતો મૂકવામાં આવ્યો હતો)ની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 330 (કબૂલાત મેળવવા માટે ઈજા પહોંચાડવી) અને 324 (ખતરનાક હથિયારોથી ઈજા પહોંચાડવી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.
નારણ જાદવ નામની વ્યક્તિની ફરિયાદ પર તત્કાલિન આઈપીએસ અધિકારી પર આ આરોપ લગાવવામાં આવ્યા હતા. જાદવ 1994ના હથિયાર જપ્તીના કેસમાં 22 આરોપીઓમાંનો એક હતો. પ્રોસિક્યુશન મુજબ, 5 જુલાઈ, 1997 ના રોજ, અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ લઈને પોલીસ ટીમ જાદવને પોરબંદરમાં ભટ્ટના ઘરે લઈ ગઈ હતી.
આ દરમિયાન જાદવ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાદવને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો. આ પછી ફરિયાદીએ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ શારીરિક ત્રાસ વિશે જણાવ્યું. જે બાદ કોર્ટે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં, પુરા 1 આધારે, કોર્ટે 31 ડિસેમ્બર, 1998 ના રોજ કેસ નોંધ્યો અને ભટ્ટ અને વજુભાઈ ચાઉને સમન્સ જારી કર્યા હતા.