આર્થિક રીતે નબળું પડેલુ ટેલિકોમ ક્ષેત્ર ફરી દોડતુ થશે
હાલ અનેકવિધ ક્ષેત્રો આર્થિક રીતે નબળા પડી ગયેલા જોવા મળે છે જયારે ટેલિકોમ ક્ષેત્રની પણ હાલત અત્યંત કફોડી જોવા મળતી હોવાથી સરકારે ટ્રાઈના ચેરમેન તરીકે પી.ડી.વાઘેલાની નિયુકિત કરી છે. પી.ડી.વાઘેલા ગુજરાત કેડરના ૧૯૮૬ બેંચના આઈએએસ અધિકારી છે કે જેઓએ જીએસટી કાઉન્સીલ ફાર્મા ક્ષેત્રના સચિવ તરીકે મહત્વપૂર્ણ કામગીરી સંભાળી છે. હાલ તેઓને સરકાર દ્વારા સૌથી મહત્વપૂર્ણ જવાબદારી એવી કે ટેલિકોમ ક્ષેત્રને ફરી જીવંત કેવી રીતે કરી શકાય તે ધ્યાને લઈ તેમની નિયુકિત કરવામાં આવી છે.
પી.ડી.વાઘેલા પૂર્વે આર.એસ.શર્મા ટ્રાઈના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેઓ ચાલુ માસમાં રીટાયર્ડ થવાના કારણે પણ પી.ડી.વાઘેલાની નિયુકિત થઈ છે. ટેલિકોમ ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો આ ક્ષેત્ર અનેકવિધ પડકારોનો સામનો પણ કરી રહ્યું છે. બીજી તરફ વોડાફોન, આઈડિયા જેવી નામાંકિત કંપનીઓને ઘણી ખરી આર્થિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેઓને આર્થિક રીતે મજબુતી કેવી રીતે આપી શકાય તે માટેના વિશેષ પગલાઓ લેવામાં આવશે. આ બંને કંપનીઓ ભારે દેણામાં આવી જતા સરકારે તેમને ૨૩ ઓકટોબર ૨૦૧૯ના રોજ નોટીસ પણ પાઠવેલી હતી. હાલ જે રીતે રિલાયન્સ જીયો ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવી રહ્યું છે તેનાથી અન્ય કંપનીઓને આર્થિક રીતે ઘણી મુશ્કેલી પણ પડે છે અને પરિણામરૂપે તેની સીધી જ અસર ટેલિકોમ ક્ષેત્ર ઉપર જોવા મળી રહી છે. પી.ડી.વાઘેલાની જે નિયુકિત ટ્રાઈના નવા ચેરમેન તરીકે થઈ છે તો તેઓએ જીએસટીમાં પણ અનેકવિધ મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધેલા છે તે સીધી જ રીતે દેશને મદદ કરવામાં ઉપયોગી પણ સાબિત થયા છે તો બીજી તરફ ફાર્મા ક્ષેત્રમાં પણ સચિવ તરીકે તેમનું યોગદાન અનેરું રહ્યું છે.