ઓક્સિજનના નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલનું ગોંડલ સાથે ઓરમાયું વર્તન હોવાનો જયરાજસિંહ જાડેજાનો આક્ષેપ

ગોંડલ, જીતેન્દ્ર આચાર્ય

હાલ ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ આંતક મચાવી દીધો છે. પોઝિટીવ દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જઈ રહી છે. તો બીજી તરફ આરોગ્ય સેવા સામે પડકારો ઉભા થયા છે. રાજ્યભરની હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે. બેડ, ઓક્સિજન તેમજ રેમડેસીવીર ઈન્જેકશનો માટે લોકો આમતેમ દોડધામ કરી રહ્યા છે ત્યારે તંત્રના સુચારુ આયોજન અને કામગીરી સામે પણ પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે આ સામે મોરચો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહ જાડેજાએ સાંભળ્યો છે અને તંત્ર સામે સિંહ ગર્જના કરી જો 24 કલાકમાં સુવિધા પૂરી નહિ પાડવામાં આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે.

કોરોનાની મહામારીમાં ગોંડલ સહિત સમગ્ર રાજકોટ જિલ્લામાં ઓક્સિજનની ઘટ અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછતના કારણે દર્દીઓના જીવ તાળવે ચોટી રહ્યા છે જિલ્લા તંત્રની બેજવાબદાર વ્યવસ્થાના કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. જો ૨૪ કલાકમાં યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી ગર્ભિત ચીમકી આપી છે કે સરકારના કામો છેવાડાના દર્દી સુધી પહોંચી રહ્યા નથી. જેનું મુખ્ય કારણ માત્ર અને માત્ર  જિલ્લા વહીવટીતંત્રની બેજવાબદાર વ્યવસ્થા છે. અધિકારીઓ સરકારને ગણકારતાં નથી. ઓક્સિજન નોડલ ઓફિસર અધિક કલેકટર જે.કે.પટેલને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો આપવામાં આવી રહ્યો નથી અને પોતાની અણ આવડત છુપાવવા માટે ગોંડલના ભાજપના કાર્યકર્તાઓને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. જે.કે.પટેલને બે વખત મોબાઈલ કોલ કરવામાં આવ્યા હતા. અને મોબાઇલ નંબર(જયરાજસિંહ જાડેજાનો)બ્લેક લિસ્ટમાં મૂકી દીધો છે. વર્તમાન પરિસ્થિતિમાં તંત્રની બેજવાબદારી અંગે તપાસની માંગ કરવામાં આવશે અને આ અંગે રાજ્ય સરકારને પણ જાણ કરવામાં આવશે. અધિક કલેકટર જે.કે.પટેલના કારણે સમગ્ર વહીવટીતંત્ર બદનામ થઈ રહ્યું છે તેવા તેમણે આક્ષેપો કર્યા છે. જયરાજસિંહ જાડેજાએ કોરોના પીડીતો માટે તંત્ર સામે આક્રમક લડત આપવાં એલાન કર્યું છે.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક એ જણાવ્યું હતું કે માત્ર ગોંડલ શહેરમાં ૩૪૮ બેડ છે, ૭૪૧ ઓક્સિજન સિલેન્ડર અને ૩૫૦ રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂરત છે જેની સામે જિલ્લા તંત્ર માત્ર ૨૦ થી ૪૦ ટકા જ જથ્થો ફાળવી રહ્યું છે સમગ્ર પોરબંદર લોકસભા વિસ્તારની પરિસ્થિતિ પણ આવી જ છે પોરબંદર લોકસભાના તમામ વિધાનસભા વિસ્તારમાં જરૂરિયાત મુજબનો જથ્થો ફાળવવામાં આવે તેવી સરકાર સામે ઉગ્ર માંગ કરી છે. આમ ભાજપનાં જ સાંસદ અને પુવઁ ધારાસભ્યએ સરકરી તંત્રની પોલ ખોલી આડે હાથ લીધાં હોય તંત્રની પોકળતા છતી થવાં પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.