મોદી અને શાહ ખબર કાઢવા પહોંચ્યા: એઈમ્સે ૯ ઓગષ્ટ પછી અરૂણ જેટલીના સ્વાસ્થ્ય અંગેનું કોઈ બુલેટીન બહાર પાડયું નથી
પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની તબીયત હાલ નાજૂક છે. તેઓ એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેઓના ખબર અંતર પુછવા એઈમ્સ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અરૂણ જેટલીની મુલાકાત લીધી હતી. અરૂણ જેટલી ૯ ઓગષ્ટથી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં છે પરંતુ એઈમ્સે તેમના સ્વાસ્થ્ય અંગેનું કોઈપણ પ્રકારનું બુલેટીન બહાર પાડયું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મોડી રાત્રે અરૂણ જેટલીની તબીયત જાણવા એઈમ્સ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ થોડો સમય પસાર કર્યો હતો. આ પૂર્વે રાષ્ટ્રપતિ રામના કોવિંદે પણ એઈમ્સ ખાતે પહોંચીને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની ખબર કાઢી હતી. પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીને ૯ ઓગષ્ટી એઈમ્સના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક દિગ્ગજો તેની ખબર અંતર પુછવા આવી રહ્યાં છે. અગાઉ રાષ્ટ્રપતિ પણ અહીં આવ્યા હતા તે દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને રાજ્યમંત્રી અશ્વીન ચોબે પણ પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે સવારે ૧૧ વાગ્યે અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની થઈ રહી હોવાથી એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. આ વેળાએ એઈમ્સે જાહેર કર્યું હતું કે, ડોકટરોની ટીમ અરૂણ જેટલી પર નજર રાખી રહી છે અને તેમની સ્થિતિ સ્રિ છે. આમ ૯ ઓગષ્ટે મોડી સાંજે એઈમ્સ દ્વારા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થ્ય અંગેનું બુલેટીન બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ એઈમ્સે કોઈપણ પ્રકારનું બુલેટીન બહાર પાડયું નથી. હાલ સુત્રોના જણાવ્યા મુજબ અરૂણ જેટલીની તબીયત નાજૂક છે જેથી રાજકીય નેતાઓ તેમને મળવા માટે આવી રહ્યાં છે.