- જમીન દલાલોની જેમ રાજકારણમાં દલાલો છે: નીતિન પટેલ
- BJPનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહી અધિકારીઓ સાથે બનાવે છે ઓળખાણ: નીતિન પટેલ
- આ જ દલાલો BJPની ઓળખાણ આપી તેમનું કામ અધિકારીઓ પાસે ફટાફટ કરાવી લે છે: નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું- હવે રાજકારણમાં દલાલો વધી ગયા:’દલાલી કરી અધિકારીઓ જોડે ઓળખાણ રાખવાની, ભાજપમાં છું કહે એટલે કામ થાય; BJP સરકારે આ બધાને સુખી કર્યા’
Nitin Patel: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. જેમાં નીતિન પટેલે કહ્યું કે, રાજકારણમાં પણ દલાલો વધી ગયા છે. નીતિન પટેલના આ નિવેદનથી હાલ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. નીતિન પટેલે કહ્યું કે, ‘રાજકીય દલાલો ભાજપનો હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું કહીને અધિકારીઓ સાથે સંબંધ અને ઓળખાણ બનાવે છે.’
પ્રાપ્ત વિગત અનુસાર કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. 1947માં સ્થાપિત આ શાળાના નવા મકાનનું નિર્માણ દોઢ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. શાળાના 80 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં નીતિન પટેલે જણાવ્યું કે, છેલ્લા 30-35 વર્ષમાં પાટીદાર સમાજમાં આર્થિક સમૃદ્ધિ આવી છે. કડી વિસ્તારમાં જમીનોની કિંમતો એક કરોડથી પાંચ કરોડ સુધી પહોંચી છે, જેના કારણે અમદાવાદના બિલ્ડરો પણ આ વિસ્તાર તરફ આકર્ષાયા છે.
ભાજપમાં છું કહો એટલે અધિકારીઓ કામ કરી આપે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, પહેલા મહેનત કરીને આપવું પડતું હતું, અત્યારે ભગવાને એવું ગોઠવું છે કે,બધું ઓટોમેટીક જ વધી જાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની,ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે. ગામનું એક પણ ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય…
વધુમાં તેમને જણાવ્યું હતું કે, ગામનું એક એક ઘર એવું નહિ હોય કે મને નહીં ઓળખતું હોય, અને હું તમને એ પણ કહી દઉં કે આ બધું બોલી શકું છું અને આ બધું જે કર્યું છે તે મારી શક્તિથી તમે બધાએ અને ગામના આગેવાનો અને વડીલોએ હું 1990 માં પહેલી વખત ધારાસભ્ય બન્યો કારણકે હું નવો હતો, કડી નગરપાલિકાનો પ્રમુખ બન્યો, ત્યારે બહુ બધી ઓળખાણ પણ નથી ત્યારે ગામડાના આગેવાનોએ અને તમે બધા ભેગા થઈને મને ધારાસભ્ય બનાવ્યો, પછી તો સતત ધારાસભ્ય રહ્યો અને આપણી ભાજપની સરકાર આવી આરોગ્ય મંત્રી રહ્યો, માર્ગ મકાન મંત્રી રહ્યો,નાયબ મુખ્યમંત્રી રહ્યો બધું રહ્યો પણ એ બધું મારી શક્તિથી નહીં પણ તમારા બધાના આશીર્વાદથી.
સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ
આ બધું જ જે શરૂ થયું તે આપણા બધાના સહયોગથી શરૂ થયું છે આપણે બધા આપણી સત્તા આવી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, સરકારમાં અમે બધા બેઠા છીએ એટલે આ બધું કરી શકીએ છીએ એટલે કઈ જમીનોની દલાલી થી થયું નથી, આ બધું કરદા કરદી કરીને નથી થતું, અને લોકોનું કરી નાખીને નથી થયું, આ બધાના પ્રેમથી થયું છે. બધાનો પ્રેમ મળે તે જ સાચો નેતા કહેવાય, હોદ્દો મળેએ નહીં હોદ્દો તો અનામતના કારણે પણ મળે, હોદ્દા મળવા એ મોટી વાત નથી, પણ પોતાને સફળ બનાવો તેમ કંઈ દાખલો આપતા તેમને જણાવ્યું હતું કે,શિક્ષક નોકરી કરે, મામલતદાર, પીએસઆઇ સરકારી નોકરી કરે, એ તો કરે તેમને તો સરકારી પગાર લેવાનો છે, એ કંઈ નવી વાત નથી. આ કાર્યક્રમમાં ગ્રામજનો વિદ્યાર્થીઓ આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓને એડમીશન ન મળતું હતું એટલે અનામત આંદોલન થયું
વધુ ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીઓને એડમીશન ન મળતું હતું એટલે અનામત આંદોલન થયું હતું. જેને સરકારે સમજી મેડીકલ સીટો વધારી. હાલમાં ચારિત્ર્યની ખૂબ તકલીફ છે.90 ટકા લોકો લાલચું હોય છે.ગામડામાં સ્કૂલો ચલાવવી અઘરી છે.પરંતુ શિક્ષણ વિના નહી ચાલે,છોકરીઓ કેટલી જમીન છે એ નહીં પૂછે.
ભારતના નાણાંમંત્રીએ બજેટ રજૂ કર્યું જેમાં મેડિકલ કોલેજોની 10 હજાર સીટો દર વર્ષે વધશે.અનામત આંદોલન કેમ થયું.90,92,95 ટકા લાવતા બીન અનામત વર્ગના વિધાર્થીઓને એડમીશન નહોતું મળતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં અસંતોષ થતો હતો.એના કારણે આંદોલન થયું હતું.નરેન્દ્રભાઈ મોદી સરકારે મેડીકલની બેઠકો વધારી એટલે વિધાર્થીઓને હવે વિદેશમાં અભ્યાસ માટે નહીં જવું પડે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. શેઠ દિલીપભાઈ પટેલે વામજ ગામે નિર્માણ પામનાર ભાગ્યોદય મેડિકલની માહિતી આપી હતી. સંસ્થાના હોદ્દેદારોએ દાતાઓનું સન્માન કર્યું હતું. હાલમાં આ શાળામાં ધોરણ 1થી 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
યજ્ઞેશ દવેની પ્રતિક્રિયા
સમગ્ર મુદ્દે ભાજપ નેતા યજ્ઞેશ દવેએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘નીતિન પટેલ પીઢ નેતા પક્ષ કે કાર્યકરો પર આક્ષેપ ન કરે તેથી ક્યારેય કોઈ પક્ષના નેતા કે કાર્યકરો પર આક્ષેપ ન કરે. કારણ કે, તેઓ પક્ષને સારી રીતે જાણે છે. એમનો કહેવાનો જે અર્થ છે તે સ્પષ્ટ છે અને તે તેમના વાક્યોમાં પણ જણાઈ આવે છે, કે જે લોકો પક્ષના નામે અધિકારીઓ પાસે જઈને કામ કરાવે છે આવું તેઓએ સ્પષ્ટ કહ્યું છે. નીતિન ભાઈએ જે કટાક્ષ કર્યો છે કે, જે પક્ષના નામે અધિકારીઓને દબાવે છે તેમના માટે છે.’