પોલીસે ગુનો નોંધવાનું ટાળતા ફરી હુમલો કરાયો: કાર નીચે કચડવાનો પ્રયાસ: ધોકા-પાઇપ માર્યા: બે ઘવાયા
શહેરના સામાકાંઠા વિસ્તારના પૂર્વ કોર્પોરેટરને મિલતકના પ્રશ્ર્ને પોતાના મોટા ભાઇ સાથે ચાલતા વિવાદના કારણે શનિવારે થયેલા હુમલા અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધાનું ટાળ્યું હોવાથી ગતરાતે ફરી કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કરી પાઇપ અને ધોકાથી હુમલો કરતા બે યુવાનો ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર રોડ પર આવેલાસિલ્વર નેસ્ટ સોસાયટીમાં રહેતા જીજ્ઞેશ દિનેશભાઇ રાઠોડ અને હિરેન એક્ટિવા પર પેડક રોડ પર અનામ ઘુઘરા પાસેથી પસાર થતા હતા ત્યારે પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ રાઠોડના પુત્ર પારસ અને કરણે કાર ભટકાડી બંને યુવાનને કચવાનો પ્રયાસ કરી પાઇપ અને ધોકાથી હુમલો કર્યાની બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
અનિલભાઇ રાઠોડને પોતાના મોટા ભાઇ દિનેશભાઇ રાઠોડ સાથે બાંધકામનો વ્યવસાય કરતા હતા તેના હિસાબ અંગે બંને ભાઇ વચ્ચે મનદુ:ખ થતા ઝઘડો થયો હતો બંને ભાઇ વચ્ચે મારમારીના બનાવ પણ પોલીસમાં નોંધાયા છે. લગ્ન પ્રસંગમાં પણ બઘડાટી બોલી હતી. તે અંગે કોર્ટમાં કેસ પેન્ડીગ છે.
દરમિયાન ચાર દિવસ પહેલાં પૂર્વ કોર્પોરેટર અનિલભાઇ રાઠોડ અને તેના પુત્ર પારસે શહેર ભાજપ અગ્રણી પિન્ટુ રાઠોડ પર ધોકાથી માર માર્યો હતો. આ અંગે પિન્ટુ રાઠોડ બી ડિવિઝન પોલીસમાં પોતાના ભાઇ અને ભત્રીજા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા ગયા હતા પરંતુ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાનું ટાળ્યું હતુ અને માત્ર અરજી લીધી હતી અને તે અંગે પણ કંઇ કાર્યવાહી ન કરતા અનિલભાઇ રાઠોડના બે પારસ અને કરણે ગતરાતે પોતાના પિતરાઇ જીજ્ઞેશભાઇ અને હિરેન પર કાર ભટકાડી એક્ટિવા પરથી પછાડી પાઇપ અને ધોકાથી હુમલો કરતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ જીજ્ઞેશ રાઠોડની ફરિયાદ પરથી પારસ અને કરણ રાઠોડ સામે મારમારી અંગેની ફરિયાદ નોંધી પી.એસ.આઇ. પી.એ.ગોહેલ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.