લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો સિલસિલો યથાવત છે. ગુરુવારે 2 નેતાઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ શુક્રવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અરવિંદ શર્મા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અરવિંદ શર્મા હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની હાજરીમાં BJPમાં જોડાયા છે. તેઓ બે વખત સાંસદ રહી ચુક્યા છે. તેમણે ભાજપમાં જોડાયા બાદ કહ્યું કે મેં મારા દિલની વાત સાંભળી છે અને BJPમાં જોડાયો છું. મને મારા આ નિર્ણય પર ગર્વ છે. પાર્ટી જે પણ જવાબદારી સોંપશે તે હું યોગ્ય રીતે કરીશ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે કોંગ્રેસના દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા અને ટીએમસી નેતા અર્જુન સિંહ પણ ભાજપમાં જોડાયા છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને અત્યારે મોટો ફટકો પડ્યો છે.