7 મહિનાથી ગાયબ અધિકારીએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી
અબતક, દિલ્હી : 7 મહિનાથી ગાયબ થયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ આજે મુંબઈ પહોંચી ગયા છે. તેમણે કહ્યું હતું કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે અને તેમને દેશના ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે 100 કરોડની વસૂલીના મામલામાં તેમને ભાગેડું જાહેર કર્યા છે.
સુપ્રીમકોર્ટે ઝાટકણી કાઢ્યા પછી મુંબઈ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહ સામે આવ્યા હતા. તેમણે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રમાં નથી, પરંતુ ચંદીગઢમાં છે અને આગામી દિવસોમાં મુંબઈ પહોચીને તપાસમાં સામેલ થશે. પરમબીર સિંહે કોર્ટને ધરપકડમાંથી રાહત આપી હતી. જોકે સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ કોઈ જગ્યાએ બહાર જઈ શકશે નહિ. એ પછીથી તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા અને પછીથી તેમણે ખુલાસો કર્યો હતો કે ચંદીગઢમાં છે.
પરમબીર સિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે મુંબઈમાં તેમના જીવને ખતરો છે. પછીથી કોર્ટે આ અંગે વકીલની ઝાટકણી કાઢી હતી. પૂર્વ પોલીસ કમિશનરની વિરુદ્ધ મુંબઈના પોલીસ સ્ટેશનમાં 5 કેસ નોંધાયેલા છે. થોડા દિવસો અગાઉ જ્યારે આ મામલામાં સુપ્રીમકોર્ટમાં સુનાવણી થઈ હતી ત્યારે કોર્ટે પરમબીર સિંહના વકીલની ઝાટકણી કાઢી હતી. પરમબીર સિંહ પર ખંડણી ઉઘરાવવાનો આરોપ છે.
આ પહેલાં મુંબઈની કોર્ટે પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યા હતા. ભાગેડુ જાહેર કરાયા બાદ મુંબઈ પોલીસ તેમને વોન્ટેડ આરોપી અને મીડિયા સહિત દરેક સંભવિત સ્થળોએ ભાગેડુ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે. આ નિયમો મુજબ જો તેઓ 30 દિવસની અંદર સામે નહીં આવે તો મુંબઈ પોલીસ તેમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકે છે.
આ પહેલાં ગૃહ વિભાગે પરમવીર ગુમ રહેવાની જાણકારી ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે પરમબીર ઘણા મહિનાઓથી ખરાબ આરોગ્યને કારણે રજા પર ગયા બાદથી ગુમ હતા. ગૃહ વિભાગે સિંહને તેમના ચંદીગઢ ખાતેના ઘરે અનેક વખત પત્ર મોકલ્યા અને તેમનાં ઠેકાણાં બાબતે પૂછપરછ પણ કરી હતી, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ગયા મહિને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું હતું કે તેઓ આઈપીએસ અધિકારી સામે કાર્યવાહી કરવા માટે અખિલ ભારતીય સેવા નિયમોની જોગવાઈઓને જોઈ રહ્યા છે