પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જાહેરસભા સંબોધી
પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું કર્યું ઉદઘાટન
સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ શોનું આયોજન કરાયું
ગુજરાતના રાજકારણમાં નવી ઈનિંગ માટે સતત પ્રવાસ ખેડી રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ મોટા વરાછામાં જાહેરસભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે સુરતના પાટીદારોની ખુમારીને પાછો લાવવા ફરીથી સક્રિય થયો છું. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જાહેર સભામાં ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું.
ગુજરાતના રાજકારણમાં નવી ઈનિંગ માટે સતત પ્રવાસ ખેડી રહેલા ગુજરાતની ટનાટન સરકારના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહજી વાઘેલાએ મોટા વરાછામાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે સુરતના પાટીદારોની ખુમારીને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. તેમની ખુમારીને પાછો લાવવા ફરીથી સક્રિય થયો છું. વહેલી સવારે ગાંધીનગરથી સુરત આવવા નિકળેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ યોગી ચોક ખાતે પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સુરત કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
ઢળતી બપોરે વરાછાસ્થિત મીની બજાર ખાતે સુરતની ચમકને ચાર ચાંદ લગાવી રહેલા સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને બાપુએ રોડ શો યોજ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસી અને સુરતીઓ જોડાયા હતા. વરાછાથી મોટા વરાછા સુધી રોડ શો ને કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જેને પહોંચી વળવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ત્યારબાદ મોટાવરાછા ખાતે દુખિયાના દરબાર રોડ પર આવેલા વૃંદાવન ફાર્મમાં જાહેરસભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સજ્જનો ઉપસ્થિત રહ્યાં હતા. અહીં સુરતના નવા પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડીયાની ઘોષણા કરવામાં આવી હતી. ભુતકાળમાં એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લો-પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવતા નવનિયુક્ત પ્રમુખે સુરતમાં સંગઠનને મજબુત બનાવવા તેમજ સરકારની બેધારી નીતિને ખુલ્લી પાડવા આહ્વાન કર્યું હતું.
ખિચોખીચ પબ્લિકથી ભરેલી જાહેરસભામાં શંકરસિંહ બાપુએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં શુન્યાવકાશ સર્જાયો છે એને દૂર કરવા હું બહાર નિકળ્યો છું. આ સિવાય કોઈ હોદ્દાની લાલચ નથી મને. લગભગ દરેક હોદ્દા ભોગવી ચુક્યો છું પરંતુ પ્રજાની પીડા જોઈને આ ઉંમરે પણ બહાર નિકળવાની ફરજ પડી છે. ગુજરાતમાં અપરિપક્વ લોકોથી સરકાર ચાલી રહી છે જેમને વહીવટી તંત્ર ચલાવવાની સૂજબૂઝ નથી તેમ છતાં સત્તામાં બેઠાં છે. 30 વર્ષથી સત્તામાં બેઠાં હોવાથી અહંકાર છવાયો છે. ભ્રષ્ટાચાર વધ્યો છે અને તેમને પ્રજા કે જનતાનો ડર નથી એટલે બેફામ બન્યા છે. આવાને સત્તામાંથી ઉખેડી ફેંકવા માટે ભાલાના નિશાન સાથે બહાર આવ્યો છું અને જેના હાથમાં ભાલો છે એ ગુજરાતના નવયુવાને 94 નંબરની ટી-શર્ટ પહેરી છે. એનો અર્થ એ થાય છેકે, 94 ધારાસભ્યો સાથે આપણે ગુજરાતમાં સરકાર બનાવવી છે. અને ગુજરાતની જનતાને પીડામાંથી મુક્ત કરાવવાની છે.
મોંઘવારીનો માર દૂર કરવા મક્કમ યોજના
ઘરના અનાજ કઠોળથી માંડીને ગૃહને લાગતી સામગ્રી અડધા ભાવમાં મળી રહે તે માટે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા સુરતના દરેક વોર્ડમાં સેન્ટર શરૂ કરવામાં આવશે. જ્યાંથી અડધા ભાવમાં સામગ્રી મળી રહે તેવી યોજના પર કામ ચાલી રહ્યું છે. નજીકના ભવિષ્યમાં સેન્ટર શરૂ કરવા ફરીથી શંકરસિંહજી સુરતમાં પધારશે એમ સુરતના પ્રોગ્રામના આયોજક મુકેશભાઈ જીયાણીએ પત્રકારોને જણાવ્યું હતું. સુરતમાં સફળ કાર્યક્રમનું આયોજન કરનાર મુકેશભાઈ જીયાણીને ગુજાર પ્રદેશના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. આ સિવાય સુરત અને સૌરાષ્ટ્રના પ્રભારી તરીકેની જવાબદારી પણ તેમને સોંપવામાં આવી છે.
એક જ દિવસે દરેક મોરચાની ઘોષણા
સુરતના નવનિયુક્ત પ્રમુખ તરીકે કિશોરભાઈ વિરડીયાની ઘોષણા સાથે, મહિલા પ્રમુખ, યુવા પ્રમુખ, એસસી એસટી સેલ, એડવોકેટ સેલ, કિસાન સેલ, ડોક્ટર સેલ તેમજ મીડિયાના પ્રભારીની પણ ઘોષણા કરી દેવામાં આવી છે. ઓછી સમયમર્યાદામાં પાર્ટીને ઘણી લાંબી મજલ કાપવાની હોવાથી નજીકના દિવસોમાં સુરતની પ્રજામાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી (પિપલ્સ પાવર પાર્ટી- પીપીપી) છવાઈ જશે એવો નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ વિરડીયાએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.
સુરતના નવનિયુક્ત પ્રમુખ કિશોર વિરડીયા ભુતકાળમાં ભાજપથી વિખુટી પડેલી પાર્ટીના કિ-પર્સન હતા અને તેમણે વોર્ડ નં. 23 (જુના)માંથી ઝંપલાવ્યું હતું જેમાં માત્ર 700 મતથી પરાજિત થયા હતા. આ સાથે જ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ થકી સમાજ સેવા કરી રહેલા કિશોરભાઈએ કોરોનાકાળમાં આઈસોલેશન વોર્ડ શરૂ કર્યો હતો અને 338 જેટલાં દર્દીઓને સાજા કરી ઘરે મોકલ્યા હતા. આ સેવા નિઃશુલ્ક હતી એમ તેમણે ઉમેર્યું હતું.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય