તેમના કેરટેકર કોરોનામાં સપડાતા કેશુભાઈનો રિપોર્ટ કરતા તેઓ પણ પોઝિટિવ આવ્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરતભાઈ પટેલને ફોન કરી બાપાની તબીયતના ખબર-અંતર પૂછયા
ગુજરાતમાં કોરોનાએ બિહામણો ભરડો લીધો છે. ભાજપ અને કોંગ્રેસના એક પછી એક નેતાઓ કોરોનાના સકંજામાં સપડાઈ રહ્યાં છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કદાવર પાટીદાર નેતા કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વાતને તેમના પુત્ર ભરતભાઈ પટેલે પણ સમર્થન આપ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભરતભાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરી કેશુબાપાના ખબર અંતર પુછયા હતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના કેરટેકર શિતલબેન પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કેશુબાપાનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તેઓ પણ કોરોનાથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. આ વાતને આજે બપોરે ખુદ કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલે સમર્થન આપ્યું હતું. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ બપોરે ભતભાઈને ફોન કરીને કેશુબાપાના ખબર અંતર પૂછયા હતા. હાલ તેઓની તબીયત સારી છે અને હોમ કવોરન્ટાઈન હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં એક પછી એક મોટા નેતાઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં હોય ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના વધુ ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગઈકાલે દિવસ દરમિયાન ૯૯ કેસો નોંધાયા હતા. આજે કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૮૭૧એ પહોંચી જવા પામી છે. ૩૫૨૨ લોકો કોરોનાને મહાત આપી સાજા થયા છે. શહેરમાં જે રીતે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તોે બીજી તરફ સારી બાબત એ છે કે, રિકવરી રેટમાં પણ સુધારો નોંધાઈ રહ્યો છે. આજે રિકવરી રેટ ૭૩ ટકા સુધી પહોંચી જવા પામ્યો છે. આજ સુધીમાં કોરોનાના કુલ ૧,૫૮,૦૯૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવીટી રેટ ૩.૦૮ ટકા છે. આજે શહેરના અલગ અલગ ૯૦ જેટલા વિસ્તારોને માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ અને નોન કોવિડથી રાજકોટ જિલ્લામાં ૨૫ લોકોના મોત નિપજયા હોવાની સત્તાવાર જાહેરાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.