- વડોદરાની વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો અપક્ષ ઉમેદવારી તરફી ઝુકાવશે મધુ શ્રીવાસ્તવ
લોકસભાની 26 બેઠકો સાથે વિધાનસભાની ખાલી પડેલી 6 બેઠકો પૈકી પાંચ બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનું છે. ભાજપ દ્વારા પાંચેય બેઠકો પર પક્ષ પલ્ટુઓને ટિકિટ આપવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા ઉમેદવારો હજી સુધી જાહેર કરવામાં આવ્યા નથી. દરમિયાન વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપન પૂર્વ ધારાસભ્ અને કદાવર નેતા મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસના પ્રતિક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી છે.
તાજેતરમાં વડોદરા લોકસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢીયારના પ્રચાર માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ વડોદરા ખાતે આવ્યા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવે તેઓની મૂલાકાત કરી હતી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક પરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યકત કરી હતી. જો કોંગ્રેસ દ્વારા ટિકિટ આપવામાં આવશે નહીં તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઘોષણા શ્રીવાસ્તવે કરી છે.શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની ઈચ્છા મધુ શ્રીવાસ્તવે વ્યકત કરી છે. જો આ અંગે હાઈકમાન્ડને જાણ કરી દીધી છે. અંતિમ નિર્ણય હવે હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે.