પુણેના બંને શાર્પ શૂટરને ઉત્તરપ્રદેશમાંથી સીઆઇડીએ ઝડપી લેતા રાજકીય હત્યાનો ભેદ ઉકેલાયો: સામખીયાળી રેલવે સ્ટેશન પાસેના સીસીટીવી ફુટેજના આધારે પોલીસને મળી મહત્વની સફળતા: વિવાદાસ્પદ મહિલા મનિષા ગૌસ્વામી આવી પોલીસના સકંજામાં

કચ્છના અબડાસા મત વિસ્તારના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાળીની ગત તા.૮મીએ સયાજીનગરી એકસપ્રેસ ટ્રેનમાં ભાડુતી મારાઓએ ગોળીબાર કરી કરેલી હત્યામાં સંડોવાયેલા મનાતા બે શાર્પ શૂટરને સીઆઇડી ક્રાઇમના સ્ટાફે ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં સફળતા મળી છે. બંને શાર્પ શૂટરને છબીલ પટેલે સોપારી આપી હોવાની શંકા સાથે પૂછપરછ હાથધરી છે. બંને શાર્પ શૂટરને ટ્રેનના અન્ય મુસાફરોએ ઓળખી બતાવ્યાનું તેમજ સામખીયાળી રેલવે સ્ટેશન પાસેના સીસીટીવી ફુટેજના આધારે ઓળખ થયાનું ખુલ્યું છે.

જયંતી ભાનુશાળીની હત્યા અંગે તેના ભત્રીજા સુનિલ ભાનુસાળીએ ગાંધીધામ રેલવે પોલીસમાં છબીલદાસ પટેલ, વાપીની મનિષા ગૌસ્વામી, ભૂજના જયંતી જેઠાલાલ ઠક્કર, સુરજીત ભાઉ અને ઉમેશ પરમાર તેમજ સિધ્ધાર્થ છબીલદાસ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે સીસીટીવી ફુટેજ, મોબાઇલ કોલ ડીટેઇલ અને બાતમીદારોને કામે લગાડી રાજકીય હત્યાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા હતા.

સામખીયાળી રેલવે સ્ટેશન ખાતે હત્યારાએ ટ્રેનની ચેન ખેચી હોવાથી હત્યા રેલવે સ્ટેશનની વિરૂધ્ધ દિશામાં ઉતર્યાની શંકા સાથે સીસીટીવી ફુટેજ ચેક કરતા ટ્રેનમાં ઉતરેલા શાર્પ શૂટર અને તેને બાઇક પર લેવા આવેલા શખ્સના ફૂટેજ મળી આવ્યા હતા. સીસીટીવી ફુટેજ ટ્રેનના અન્ય મુસાફરને બતાવવામાં આવતા તેઓએ પણ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા શાર્પ શૂટરને ઓળખી બતાવ્યા હતા.

પોલીસે સીસીટીવી ફુટેજમાં જોવા મળેલા બાઇકના નંબરના ઓધારે તપાસ કરતા બાઇક વિપુલ નામની વ્યક્તિનું હોવાનું અને તે તાજેતરમાં જ ચોરાયું હોવાનું બહાર આવ્યું હતું. શાર્પ શૂટરે બાઇકની ચોરી કર્યા બાદ હત્યાના ગુનામાં ઉપયોગ કર્યાનું ખુલ્યું હતુ. પોલીસ તપાસ દરમિયાન બાઇક ગાંધીધામ ખાતે રેઢુ મુકવામાં આવતા તે સ્થળના પણ સીસીટીવી ફુટેજ મળ્યા હતા.

પોલીસને સીસીટીવી ફુટેજ મળ્યા બાદ મોબાઇલના કોલ ડીટેઇલ મેળવતા બંને શાર્પ શૂટર ઉત્તર પ્રદેશમાં છુપાયાનું બહાર આવતા સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓએ મુળ પૂર્ણેના વતની એવા સુરજીત ભાઉ અને શેખર મારૂને ઝડપી પૂછપરછ હાથધરવામાં આવી છે.

જયંતી ભાનુશાળીને મનિષા ગૌસ્વામી બ્લેક મેઇલ કરતી હોવાનું છબીલદાસ પટેલ ભાડુતી મારાની મદદથી હત્યા કરાવશે તેવી દહેશત વ્યક્ત કરતી રાજયના પોલીસ વડાને કરાયેલી અરજી ધ્યાને રાખી બંને શાર્પ સૂટરની પૂછપરછ કરવામાં આવી રહી છે. મનિષા ગૌસ્વામી હત્યાના પાંચ દિવસ પૂર્વે જ ભૂજ આવી હોવાનું અને બંને શાર્પ શૂટર સાથે ચર્ચા કરતી હોય તેવા સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળી આવ્યા છે. પોલીસે હાલ સુરજીત ભાઉ, શેખર મારૂ અને મનિષા ગૌસ્વામીની અટકાયત કરી છબીલદાસ પટેલની ભૂમિકા અંગે સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.