જૂનાગઢ ૯ ડિગ્રી, અમરેલી ૯.૬ ડિગ્રી અને રાજકોટ ૧૦.૧ ડિગ્રી સાથે ઠીંગરાયા, ઠંડાગાર પવનો ફુંકાતા જનજીવન પર અસર: બે દિવસ હજી કોલ્ડવેવની સંભાવના
દેશના ઉતરીય રાજયોમાં રેકોર્ડબ્રેક હિમવર્ષાના કારણે દેશભરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં નવેસરથી ઠંડીનો રાઉન્ડ શ‚ થયો છે. બીજા રાઉન્ડમાં હાજા ગગડાવી નાખે તેવી કાતિલ ઠંડી પડી રહી છે. કચ્છનું નલીયા ૫.૫ ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે આજે હિમાલય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. રાજયભરમાં અનેક શહેરોમાં લઘુતમ તાપમાનનો સિંગલ ડિજીટમાં ગરકાવ થઈ ગયો છે. આગામી બે દિવસ સુધી હજી કોલ્ડવેવની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છના નલીયામાં લઘુતમ તાપમાન ૫.૫ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૩૦ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૫ કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. ગઈકાલે નલીયાનું મહતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું.
રાજકોટનું લઘુતમ તાપમાનમાં પણ આજે ઘટાડો નોંધાયો હતો. આજનું નીચું તાપમાન ૧૦.૧ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૮ કિ.મી. પ્રતિ કલાક નોંધાઈ હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૨.૨ ડિગ્રી અને ગઈકાલનું મહતમ તાપમાન ૨૬.૪ ડિગ્રી રહેવા પામ્યું હતું.
જુનાગઢનું લઘુતમ તાપમાન આજે ૯ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. ગિરનાર પર્વત પર તાપમાનનો પારો ૪ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૪.૧ કિમી પ્રતિ કલાક રહેવા પામી હતી. ગિરનાર પર તાપમાનનો પારો ૪ ડિગ્રીએ પહોંચી જતા ભાવિકો કાતિલ ઠંડીમાં રીતસર ઠીંગરાઈ ગયા હતા. અમરેલીમાં પણ આજે ઠંડીએ બોકાસો બોલાવી દીધો છે.
શહેરનું લઘુતમ તાપમાન ૯.૬ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા, પવનની સરેરાશ ઝડપ ૭.૩ કિમી જયારે ગઈકાલનું મહતમ તાપમાન ૨૭ ડિગ્રી રહેવા પામ્યું છે. એક તરફ રાજયભરમાં લઘુતમ તાપમાનનો પારો સતત પટકાઈ રહ્યો છે. બીજી તરફ ઠંડાગાર પવનો ફુંકાતા હોય લોકો હાડ ગાળતી કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આગામી બે દિવસ સુધી રાજયભરમાં કોલ્ડવેવની સંભાવના રહેલી છે.