કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે રાજકીય અદાવતના કારણે હત્યા કરાવ્યાના આક્ષેપ
સયાજીનગર એકસપ્રેસના એચ-૧ એસી કોચમાં મધરાતે શાર્પ શુટરે બે રાઉન્ડ ફાયરિંગ કરી ઢીમઢાળી દીધું
જયંતી ભાનુશાળીએ પોતાની હત્યાની દહેશત વ્યક્ત કરતો પત્ર રાજયના પોલીસવડાને લખ્યો’તો
કચ્છ ભાજપના કદાવર નેતા જયંતીભાઇ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનના એચ-૧ એસી કોચમાં મધરાતે અજાણ્યા શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે કચ્છ ભાજપના બે નેતાઓ વચ્ચે ચાલતી રાજકીય અદાવતના કારણે સોપારી આપી હત્યા કરાવ્યાના છબીલ પટેલ સામે આક્ષેપથી સનસનાટી મચી ગઇ છે.
અબડાસા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ પદે રહી ચુકેલા જયંતીભાઇ ભાનુશાળી ગઇકાલે ભૂજથી સયાજીનગરી એકસપ્રેસમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. ટ્રેક રાતે સાડા બાર વાગ્યે સુરજબારી અને કટારીયા રેલવે સ્ટેશન વચ્ચે પહોચી ત્યારે ટ્રેનમાં ઘસી આવેલા અજાણ્યા શખ્સે બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક ગોળી આંખ અને એક ગોળી છાતીમાં લાગતા જયંતીભાઇ ઢળી પડયા હતા.
જયંતીભાઇ ભાનુશાળીની સામેની સીટમાં બેસી મુસાફરી કરી રહેલા પવન મોરી નામની વ્યક્તિએ ટ્રેનના ટીસીને હત્યા અંગેની જાણ કરાતા ટ્રેનને માળીયા રેલવે સ્ટેશન અટકાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. જયંતીભાઇ ભાનુશાળીનો મૃતદેહ માળીયા મીયાણા હોસ્પિટલ લઇ જવાયો હતો અને ટ્રેનને રવાના કરી એચ-૧ કોચને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે અટકાવી એફએસએલને તપાસ માટે જાણ કરવામાં આવી હતી.
જંયતીભાઇ ભાનુશાળી પર ગોળીબાર કરી હત્યા કરાયાની જાણ તેમના ભાઇ, પત્ની અને માતાને થતા તેઓ માળીયા મીયાણા દોડી આવ્યા હતા અને હત્યા છબીલ પટેલે કરાવી હોવાનો સ્ફોટક આક્ષેપ કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
જયંતી ભાનુશાળી સામે સુરતની યુવતીએ દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવતા તેઓએ ભાજપના તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું હતું. યુવતીએ હાઇકોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોડી ફરિયાદ વિડ્રો કરી હતી. તે રીતે જ પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા છબીલ પટેલ સામે પણ દિલ્હીમાં દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઇ હતી.
જયંતીભાઇ ભાનુશાળીને છબીલ પટેલે હની ટ્રેપમાં ફસાવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી હતી તે રીતે છબીલ પટેલ સામે નોંધાયેલી ફરિયાદના પગલે જયંતીભાઇ ભાનુશાળીએ બદલો લીધો હોવાની ચર્ચાથી રાજકીય ભૂકંપ આવી ગયો હતો.
છબીલ પટેલ અને જંયતીભાઇ ભાનુશાળી વચ્ચે ચાલતી રાજકીય અદાવતના કારણે તાજેતરમાં જ જયંતીભાઇ ભાનુશાળીએ પોતાની હત્યા થશે તેવી દહેશત વ્યક્ત કરતો પત્ર રાજયના પોલીસ વડાને લખવામાં આવ્યો હતો.
જંયતીભાઇ ભાનુશાળીની હત્યા બાદ તેમના ભાઇ, માતા અને પત્નીએ છબીલ પટેલે હત્યા કરી હોવાનો ચોકાવનારો આક્ષેપ કરી પોતાના મકાન પર હુમલો કરાવશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ માળીયા મીયાણા હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. રેલવે પોલીસના ડીવાય.એસ.પી. પીરોજીયા સહિતના સ્ટાફે જયંતી ભાનુશાળીની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જયંતીભાઈ અને છબીલ પટેલ વચ્ચે ચાલતી રાજકીય અદાવતનો હિસાબ પતાવવા ઢીમ ઢાળી દીધાની આશંકા
કચ્છ ભાજપના અગ્રણી અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાળીની ગત રાત્રે સયાજી એકસપ્રેસ ટ્રેનમાં માળીયા નજીક બે ગોળી મારી કરપીણ હત્યા નિપજાવ્યાના બનાવથી ભાજપમાં અને કચ્છના રાજકારણમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ હત્યા પાછળ મૃતક જેન્તીભાઈ ભાનુશાળીના પરિવારજનો દ્વારા ભાજપના અગ્રણી છબીલ પટેલે હત્યા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.
વર્ષ ૨૦૧૭ ડિસેમ્બર વિધાનસભાની ચુંટણી પૂર્વે જેન્તી ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે સેકસકાંડની સીડીના મામલે બંને વચ્ચે ચાલતી રાજકીય અદાવતનો હિસાબ પતાવવા છબીલ પટેલ દ્વારા ભાડુતી મારફતે જેન્તી પટેલની હત્યા કરવામાં આવી હોવાનું મૃતક જેન્તીભાઈના ભાઈ, પત્ની અને માતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
તેમજ છબીલ પટેલ છેલ્લા ૧૫થી ૨૦ દિવસ વિદેશ હોવાથી શંકા પ્રબળ બની હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત જેન્તીભાઈએ વર્ષ ૨૦૧૮ જુલાઈમાં પોલીસે જાણ કરી હત્યા અંગેની શંકા વ્યકત કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરી ન હતી.
છબીલ પટેલ અને જેન્તીભાઈ વચ્ચે સમાધાન બાદ પણ અનેક વખત અમારા પરીવાર પર વાર કરવાનો પ્રયાસ થયો હતો. છબીલ પટેલ અને જેન્તી ભાનુશાળી વચ્ચે ચાલતી રાજકીય અદાવતના કારણે ગત વિધાનસભાની ચુંટણી પૂર્વે છબીલ પટેલ દ્વારા સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં દુશ્મનોને ગોળી મારવામાં આવશે. આથી મૃતકના પરીવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.