સુરજી શિવજી શાહ પ્રાથમિક શાળાની શિલાન્યાસ વિધિ સંપન્ન
શિક્ષણ ક્ષેત્રે અનેક સેવા કાર્યો કરતી સંસ્થા પ્રોજેકટ લાઈફ દ્વારા વલ્લભીપુર તાલુકાના દરેડ ગામે સુરજી શિવજી શાહ (ગંગર) પ્રાથમિક શાળાની શિલાન્યાસવિધિ નિમીતાબેન અને કિશોરભાઈ શાહ ન્યુજર્સી, યુ.એસ.અે. તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રાથમિક શાળાના શિલાન્યાસ પ્રસંગે દરેડ દરબાર રાઘવેન્દ્રસિંહજી ગોહિલ, મુંબઈથી ગીતાબેન અને મુકુંદભાઈ (ગંગર), પ્રોજેકટ લાઈફના ટ્રસ્ટી અને જાણીતા ઉધોગપતિ કિરીટભાઈ વસા, સુરતથી સુરેશભાઈ ભીમજીભાઈ મોરડિયા, કુંવરજીભાઈ નાયાણી, ડાયાભાઈ દિયોરા, રણછોડભાઈ નાયાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રોજેકટ લાઈફના મેનેજીંગ ટ્રસ્ટી શશીકાંત કોટીચાએ શાળા નવર્નિમાણ કાર્યક્રમની ઝલક આપતા કહ્યું કે, જર્જરિત શાળાઓના નવનિર્માણ અને બાળકોને ગુણવતાસભર શિક્ષણ મળે તેવા શુભ આશયથી દર ૭૫માં દિવસે એક શાળા રાષ્ટ્રને અર્પણ કરવાનું ઉમદા કામ કરી રહ્યા છીએ. શાળાની શિલાન્યાસવિધિ નિમિતાબેન શાહ અને કિશોરભાઈ શાહ (ગંગર) અને અન્ય ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેડ દરબાર રાઘવેન્દ્રસિંહજી ગોહિલએ દરેડ જેવા નાનકડા, અંતરિયાળ ગામમાં આ શાળાનો પ્રોજેકટ હાથ ધરવા બદલ દાતા પરીવાર અને પ્રોજેકટ લાઈફને અભિનંદન આપ્યા હતા. કુંવરજીભાઈ નાયાણીએ પોતાને ભાગ્યશાળી માનતા જણાવ્યું હતું કે, હું આજ ગામની શાળામાં ભણ્યો છું અને એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી છે, આવી અદ્યતન સુંદર શાળા અમારા ગામમાં બનાવવા બદલ દાતા પરીવાર તેમજ આવું ઈશ્વરીય કામ કરનાર શશીકાન્તભાઈની ભાવનાને બિરદાવું છું. કિરીટભાઈ વસાએ પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, પ્રોજેકટ લાઈફના ૧૦૮ પ્રાથમિક શાળા નવનિર્માણનો લક્ષ્યાંક પૈકીની આ ૯૦મી શાળા છે અને સંસ્થા વિવિધ સામાજીક સેવા કાર્યો પણ કરી રહી છે. તેમણે ક્ધયા કેળવણી ઉપર ભાર મુકતા કહ્યું હતું કે, આજની વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણ આપવાની પણ ખાસ જરૂર છે. પ્રોજેકટ લાઈફ દ્વારા નિર્મિત શાળાઅોમાં ૨૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. પ્રોજેકટ લાઈફ આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, યોગા, મહિલા સશકિતકરણ જેવા કાર્યક્રમ પણ ચલાવે છે. પ્રોજેકટ લાઈફ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને જોય ઓફ ગીવીંગ કાર્યક્રમ અંતર્ગત શાળા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.