કર્મચારીએ જ તીક્ષ્ણ હથિયાર ઝીંકી કારખાનેદાર અને તેના પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું
સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી આરોપીઓને ઝડપી લેવાયાં: એક સપ્તાહમાં જ ચાર્જશીટ દાખલ કરી દેવાશે
સુરતના અમરોલી વિસ્તારમાં એમ્બ્રોઈડરી ફેક્ટરીમાં ત્રણ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે જણાવ્યું કે બે લોકોએ મળીને આ હત્યાને અંજામ આપ્યો છે. ઘટના બાદ મંત્રી વિનુ મોરડિયા, ધારાસભ્ય કુમાર કાનાણી સહિતના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચી ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ ઘટનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
શહેરના અમરોલી વિસ્તારમાં કારખાનેદાર અને તેના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યાની ઘટના સામે આવી છે. મામલો સુરતની એક લૂમ ફેક્ટરીનો છે. આ સમગ્ર ઘટના ફેક્ટરીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. માલિક અને માલિકના પુત્ર સહિત ત્રણ લોકોની હત્યાની માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બનાવને પગલે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા છે, તેમજ એસઆઈટીની પણ રચના કરીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અંજલિ ઈન્ડસ્ટ્રી નામની ફેક્ટરી આવેલી છે. રવિવારે કારખાનાના માલિક અને માલિકના પુત્ર અને એક સંબંધીની હત્યા કરવામાં આવી હતી. આ જ ફેક્ટરીમાં કામ કરતા મજૂરો પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. છરીના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ત્રણેય ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. લોકોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને તપાસ શરૂ કરી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે માલિક એક વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો છે. દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને આરોપીઓ ભાગી રહ્યા હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે.
સમગ્ર મામલે સુરત ડીસીપી હર્ષદ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સવારના 9 વાગ્યે ત્રણ લોકોની હત્યા કરવામાં આવી હતી. નાઈટ શિફ્ટમાં કામ કરતા કારીગરો સાથે બોલાચાલી બાદ આ ઘટના બની હતી. બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મામલે અમરોલી પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં સમાજના આગેવાનો અને શહેરના ધારાસભ્યોએ બેઠક કરી હતી. જેમાં આ કેસમાં જલ્દી ચાર્જશીટ થાય અને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે. આ મામલે ગુહ મંત્રીની સૂચના મળી છે. એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. ત્રિપલ મર્ડર કેસમાં એક સપ્તાહમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.