લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જાહેરાત, અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવાશે
કેન્દ્ર સરકારે બુધવારે રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની રચના કરી દીધી છે. જેમાં ૧ર સભ્યો હશે. સુપ્રીમ કોર્ટે ૭ નવેમ્બરે અયોઘ્યા કેસમાં નિર્ણય સંભળાવ્યો હતો, જેમાં ૩ માસમાં ટ્રસ્ટની રચના કરવાની વાત કહેવામાં આવી હતી. આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ કરશે. સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં મંદિર અંગે એક યોજના બનાવવાનો આદેશ પણ કર્યો હતો. કેન્દ્ર આજે જ આ યોજના ટ્રસ્ટને સોંપશે.ટ્રસ્ટનું દિલ્હીમાં રજીસ્ટ્રેશન થશે.
વડાપ્રધાન નરેન્દ્ભાઇ મોદીએ લોકસભામાં જણાવ્યું હતું કે મને આજે આ ગૃહને, દેશને જણાવતા ખુશી થઇ રહી છે કે આજે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ઘ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. રામ મંદિર નિર્માણ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ રચવાનો પ્રસ્તાવ મુકયો છેે.આ ટ્રસ્ટ અયોઘ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે જવાબદાર. અમે પાંચ એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેને ઉત્તર પ્રદેશ સરકારે સ્વીકારી લીધી છે.
વડાપ્રધાન મોદીએ લોકસભામાં જણાવ્યું કે રામ જન્મભૂમિ પર નિર્ણય આવ્યા બાદ અમે અમારી લોકતાંત્રિક વ્યસ્થાઓ પર વિશ્વાસ વ્યકત કર્યો છે. હું દેશવાસીઓના આ પરિપકવ વ્યવહારની પ્રશંસા કરૂ છું. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ આપણને વસુધૈવ કુટુંમ્બકમ અને સર્વે ભવન્તુ સુખિનનો સંદેશ વધુ પ્રેરણા આપે છે. ભારતમાં દરેક ધર્મના લોકો, ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ અને ઇસાઇ, આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ. આ પરિવારના દરેક સભ્યોનો વિકાસ થાય, તેઓ સુખી રહે, સ્વસ્થ રહે, સમૃઘ્ધ રહે, આ ભાવના સાથે મારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનોા વિશ્વાસના મંત્ર સાથે ચાલી રહી છે. આવો આ ઐતિહાસિક ક્ષણમાં આપણે સૌ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે એક સ્વરમાં આપણો મત આપીએ.
આજે કેબિનેટમાં બજેટ સત્રના પાંચમા દિવસે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજુરી આપી દેવાઇ છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સંસદમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરશે. વડાપ્રધાને કહયું કે હું અહીંયા મારા દિલની નજીકના એક મામલા અંગે વાત કરવા માટે આવ્યો છું. જે અયોઘ્યામાં રામ મંદિર નિર્માણ વિશે છે. ૯ નવેમ્બરે જયાં હું કરતારપુર કોરિડોર માટે પંજાબમાં હતો,ત્યારે મેં રામ મંદિર અંગે ઐતિહાસિક નિર્ણય સાંભળ્યો હતો.
મોદીએ જણાવ્યું કે આજે અમે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધોછે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બહુ વિચારણા અને ચર્ચા બાદ અમે અયોઘ્યામાં સુન્ની વકફ બોર્ડને પ એકર જમીનની મંજુરી આપી છે.
ટ્રસ્ટ રચવાની જાહેરાત બદલ વડાપ્રધાનને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરોડો હિન્દુઓની આસ્થા સમા ધાર્મિક સ્થાને ૧૭ એકર જમીનમાં ભગવાન રામનું ભવ્ય મંદિર બને તે માટે ટ્રસ્ટની રચનાની જાહેરાત કરી છે. તે બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. કેન્દ્ર સરકારે મંદિર બનાવવાનાં નિર્ણયની કટીબધ્ધતા દેખાડી છે. વર્ષો જૂના પ્રશ્ર્નનો સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય કર્યો તેને જનતાએ અને સરકારે સુંદર તેમજ સુમેળભર્યું વાતાવરણ બનાવીને આવકાર્યું હતુ જે સરાહનીય કરી શકાય.