રમેશ ચેન્ની થલાને બનાવાયા સ્ક્રિનીંગ કમિટીના ચેરમેન શિવાજી રાય મોધે અને જય કિશનને સભ્ય બનાવાયા
આગામી દિવસોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની સામાન્ય ચુંટણી યોજાવાની છે ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય નેતાઓ છાશવારે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. દરમિયાન ગઇકાલે સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અઘ્યક્ષ સોનીયા ગાંધી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણી માટે સ્ક્રિનીંગ કમટિીની રચના કરવામાં આવી છે.
આગામી દિવસોમાં સ્કિનીંગ કમિટી દ્વારા ઉમેદવારોની પસંદગી, ચૂંટણી ઢંઢેરા નકકી કરવા સહિતની કામગીરી શરુ કરવામાં આવશે.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે સ્ક્રિનીંગ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગુજરાતના સ્ક્રિનીંગ કમિટીના ચેરમેન તરીકે રમેશ ચેન્ની થલાની નિમણુંક કરવામાં આવી છે. જયારે સભ્ય તરીકે શિવાજી રાવ મોધે અને જય કિશનની વરણી કરવામાં આવીછે. હોદાની રૂએ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે જે ગુજરાતથી છે તેઓ તમામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણી માટે જાહેર કરવામાં આવેલી સ્ક્રિનીંગ કમીટીના ચેરપર્સન તરીકેની જવાબદારી શ્રીમતિ દીપા દાસ મુનસીને સોંપવામાં આવી છે. સભ્ય તરીકે ઉમંગ સિંધાર અને ધીરજ ગુર્જરની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજયસભાના સાંસદ અને હિમાચલ પ્રદેશના પ્રભારી રાજીવ શુકલા, પ્રદેશ પ્રમુખ પ્રતિભા સિંગ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા મુકેશ અગ્નીહોત્રી, કેમ્પેઇન કમિટીના ચેરમેન સુખવિંદર સિંહ શુકલા ઉપરાંત હિમાચલમાંથી જે નેતાઓ રાષ્ટ્રીય મહામંત્રી તરીકે નિયુકિત કરાયા છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ક્રીનીંગ કમીટીના સભ્યો આગામી દિવસોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની મુલાકાત લઇ ઉમેદવારોની પસંદગી તથા ચુંટણી ઢંઢેરો જાહેર કરવા સમિતની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.