નિર્ણયને રાજકોટ પોલીસે વધાવ્યો : સ્ટેશનમાં મીઠાઈથી એકબીજાના મોં મીઠા કર્યા
ગ્રેડ-પેને લઇને ચાલતા આંદોલનને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ ગઈકાલ મોડી સાંજે જાહેરાત કરી હતી કે ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરાઈ છે. આ કમિટીના અધ્યક્ષ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે. કમિટી ત્વરિત રિપોર્ટ આવે તેવી ભલામણ કરવામાં આવી છે.
દરેકની રજૂઆત સાંભળવામાં આવશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરાશે. સોશિયલ મીડિયમાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે.પોલીસ પરિવાર પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે તેવું જણાવતા પોલીસ અને તેના પરિવારમાં ઉમંગ દેખાઈ હતી અને તે ઓએ એકબીજાના મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવી હતી.
આંદોલનને લઇ મોટા સમાચાર સામે આવતા ઠેર ઠેર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો. રાજકોટ શહેર પોલીસ પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ વડાનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજકોટ પોલીસ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારી સરકારનો આભાર વ્યક્ત કરી પોલીસની લાગણી માગણીને માન આપી સમિતિ બનાવી હોવાથી સંતોષ માની આંદોલન સમેટી સરકાર જે નિર્ણય કરે તે આવકારદાયક હોવાનું જણાવ્યું હતું.
આ કમિટીમાં અધ્યક્ષ તરીકે પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) બ્રજેશ કુમાર ઝા, સભ્ય તરીકે નાણા વિભાગના સચિવ, સભ્ય તરીકે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવ, સભ્ય તરીકે ગૃહ વિભાગના નાયબ સચિવ જીગર પટેલ અને સભ્ય સચિવ તરીકે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી કચેરીના મુખ્ય હિસાબી અધિકારીનો સમાવેશ કરવામા આવ્યો છે.
કાયદા વિરુદ્ધ વર્તન કરનાર સામે થશે કાર્યવાહી -ડીજીપી
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સમગ્ર મામલાનો ઉકેલ આવે તે માટે કમિટીની રચના કરી દેવામા આવી છે. હવે પછી જો કોઈ કાયદા વિરુદ્ધ વર્તન કરાશે તો તેની સામે નિયમ મુજબ કાર્રવાઈ કરાશે. ખોટી પોસ્ટ મુકવા મામલે અત્યાર સુધીમાં રાજ્યમાં ચાર કેસ નોંધાઈ ચૂક્યા હોવાની વાત કરી હતી.અને જો કોઈ આવી ખોટી પોસ્ટ મુકશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.