સરપંચોને સાથે રાખીને ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરતું રાજકોટ જિ.પંચા.પશુપાલન વિભાગ
રાજકોટ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા પશુઓમાં ફેલાતી લમ્પી સ્કીન બિમારીને રોકવા અને નિયંત્રણમાં લાવવા માટે પુરી કાર્યદક્ષતા સાથે કામગીરી કરવામાં આવી રહી છે. પશુઓને લમ્પીથી સુરક્ષિત રાખવા માટે જિલ્લા કક્ષાની કમિટી, તાલુકા કક્ષાની કમિટી બનાવ્યા બાદ ગ્રામ્ય કક્ષાની કમિટિની રચના કરવામાં આવી છે.
ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરીને લમ્પી સ્કીન રોગ સામે રાજકોટ જિલ્લાના પશુઓને સુરક્ષિત કરવા માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષ સ્થાને સંબંધિત ગામના પશુધન નિરિક્ષક, સભ્ય સચિવ તરીકે તલાટી કમ મંત્રી, સભ્ય તરીકે સરપંચ, ઉપ સરપંચ, દુધ મંડળીના મંત્રી અને ગૌશાળાના તમામ સંચાલકો આ કમિટીના સદસ્યો છે તેમ નાયબ પશુપાલન અધિકારી ડો.કે.યુ.ખાનપરાંએ જણાવ્યું હતું.
આ કમિટી દ્વારા પશુઓમાં લપ્પી રોગ ન ફેલાય તે માટે નિયંત્રણ, બચાવ અને સારવાર સંબંધિત કામગીરી કરવાની રહેશે. ગ્રામ્ય સ્તરે મચ્છર-માખી ન ફેલાય તેનું ધ્યાન રાખવાનું રહેશે. તથા બિમાર પશુઓની સારવાર માટે 1962 હેલ્પ લાઈન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે અને પશુધન નિરિક્ષકના સંકલનમાં રહીને રસીકરણની કામગીરી કરવાની રહેશે. આ સાથે લમ્પીને કારણે કોઈ પશુધનનું મૃત્યુ થાય તો સંબંધિત તલાટી ક્રમ મંત્રી અને સરપંચની હાજરીમાં પંચ રોજકામ કરાવવાનું રહેશે. જ્યાં સુધી પશુધનનું નિરિક્ષક દ્વારા સ્થળ તપાસણી ન થાય ત્યાં સુધી પશુધનના મૃતદેહનો નિકાલ કરવો નહીં. તેમજ મૃતદેહનો નિકાલ ગામમાં જ્યાં મુખ્ય રસ્તો તથા પાણીનું વહન ન હોય ત્યાં ઉંડો ખાડો કરી ચુનો અને મીઠું નાખી મૃત દેહનો નિકાલ કરવાનો રહેશે.
તાલુકામાં 2484 જેટલા પશુઓ રીકવર
રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક વધુમાં તા. 6 ઓગસ્ટની સ્થિતિએ લમ્પીની બિમારી માંથી 11 તાલુકામાં 2484 જેટલા પશુઓ રીકવર થયા છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 15 હજાર 807 પશુઓનું રસીરકરણ કરવામાં આવ્યું છે. તેમજ 1962 હેલ્પ લાઈન નંબર ઉપર પણ ઓછા ફોન કોલ આવી રહ્યા છે. આમ જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા લમ્પી સ્કીન રોગને નાથવા માટે રાઉન્ડ ધી કલોક કામગીરી કરી રહ્યું છે.