દસ સભ્યોની કમિટીમાં રાજકોટના ડો. પંકજ બુચ અને ડો. ઉમેશ પટેલને સ્થાન :સાત દિવસમાં રિપોર્ટ આપવા કમિટીને આદેશ
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલમાં તબીબી શિક્ષણના સ્તરને સુધારવા માટે ૧૦સભ્યોની કમિટી રચવામાં આવી છે. જેમાં રાજકોટના ડો. પંકજ બુચ અને ડો. ઉમેશ પટેલને સ્થાન આપવામાં આવતા રાજકોટ શહેરનું ગૌરવ વધ્યાંનું કહેવાય છે.
આ કમિટીમાં અધ્યક્ષ તરીકે ડો.પ્રણય કે.શાહ( ઇન્ચાર્જ ડિન બી.જે મેડીકલ કોલેજ અમદાવાદ)ની નિમણૂક કરવામાં આવી છે.
જ્યારે કમિટીના ૯ સભ્યોમાં ડો. હિતેન્દ્ર દેસાઇ (બી.જે મેડીકલ કોલેજ અમદાવાદ), ડોક્ટર પંકજ બુચ (પ્રાધ્યાપક પેડિયાટ્રિક હાલ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રાજકોટ), ડો. ઉમેશ પટેલ સહ પ્રાધ્યાપક, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ), ડો. નંદિની દેસાઈ(ડિન શાહ મેડિકલ કોલેજ જામનગર), ડો. દીપક રાવલ (એમ પી શાહ મેડિકલ કોલેજ જામનગર) ડો. પારુલ વડગામાં(મેડિકલ કોલેજ જામનગર) ડો. એચ. કે. મહેતા( સરકારી મેડિકલ કોલેજ ભાવનગર) ડો. કૈલેશ ભાલાણી( સરકારી મેડિકલ કોલેજ ભાવનગર) તેમજ ડો.જયસિંહ રાઠોડ (મેડિકલ કોલેજ વડોદરા) નો સમાવેશ થાય છે.
રાજ્યના આરોગ્ય વિભાગે આ કમિટીને અમુક મુદ્દાઓ માટે રિપોર્ટ બનાવીને સાત દિવસમાં રજૂ કરવા સરકારી આદેશ થયા છે.
કયા કયા મુદ્દે રિપોર્ટ કરવાનો ?
સરકારે જે મુદ્દાઓ પણ રિપોર્ટ તૈયાર કરીને સાત દિવસમાં સુપ્રત કરવાના આદેશો કર્યા છે તે બાબતે રાજકોટના ડોક્ટર પંકજ બુચે અબતકને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હસ્તકની મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતે મંજૂર કરેલી તેમજ ભરેલી તથા ખાલી જગ્યાઓની વિગતો મેળવીને ખાલી જગ્યા ઉપર તાત્કાલિક કરવા માટે સૂચનો મંગાવાયા છે.
આ બાબતે ક્વોલિટી પેરામીટર્સ નક્કી કરવા આદેશ થયા છે. હાલમાં સંસ્થા ખાતે કઈ કઈ માળખાકીય સુવિધાઓ છે તેમજ તેમાં હજુ વધુ કઈ સુવિધાઓનો સમાવેશ કરી શકાય તે અંગે રિપોર્ટ કરવાનો છે.
હાલમાં હોસ્પિટલોમાં કયા કયા તબીબી સાધનો ઉપલબ્ધ છે તેની યાદી તૈયાર કરવી તેમજ કયા સાધનો ની હાલમાં જરૂર છે તેને યાદી પણ તાત્કાલિક તૈયાર કરવી.
તેમજ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે આગળની કાર્યવાહી કરવી. સંસ્થા ખાતે કઈ કઈ એકેડેમિક એક્ટિવિટી થાય છે તેમાં વધુ કઈ કઈ એક્ટિવિટી સમાવેશ કરી શકાય તેમ છે. સંસ્થા ખાતે સંશોધન માટે શું વ્યવસ્થા છે વ્યાપક અને અસરકારક બનાવવા શું પગલાં લઈ શકાય. સંસ્થા ખાતે કાર્યરત તબીબી શિક્ષકોને શિક્ષણ સુધારવા માટે કઈ તાલીમ આપવામાં આવે છેતમે તેમજ તેમાં કોઇ વિશેષ તાલીમ આપી શકાય તેમ છે કે નહીં.
હાલમાં રાજ્યની સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલ ખાતેજે યુજી, પીજી, સીપીએસ, ડીએનબી, ડિપ્લોમા કોર્સીસ વગેરે જેવા પ્રોફેશનલ મેડિકલ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે તે સિવાયના અન્ય તબીબી વ્યવસાયિક અભ્યાસક્રમ શરૂ કરી શકાય તેમ છે કે નહીં તે અંગે રિપોર્ટ કરવાનો છે.
ઉપરોક્ત તમામ બાબતો પરત્વે કમિટીએ જરૂરી સંશોધન કરીને રિપોર્ટ બનાવીને સાત દિવસમાં સરકારને મોકલી આપવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ વી.બી. પઢારિયાએ કમિટી અને કમિટીના સદસ્યોને તાકીદ કરી છે.