કોર્પોરેશનના ત્રણ સિવિક સેન્ટર,આઈસીઆઈસીઆઈ, એચડીએફસી તથા કોટક બેન્કની ૪૯ શાખાઓમાં ૨૪ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધી ફોર્મ મળશે: ૧૭મી માર્ચ સુધીમાં ફોર્મ પરત આપવા પડશે
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અલગ અલગ કેટેગરીના કુલ ૩૯૭૮ આવાસોનું ૨૪મી થી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે તેથી જાહેરાત રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલ કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ઈ.ડબ્યુ.એસ-૧ પ્રકારના ૩૬૮ આવાસો, ઈ.ડબ્યુ.એસ-૨ પ્રકારના ૨૧૩૦ આવાસો, એલ.આઈ.જી.પ્રકારના ૭૨૮ આવાસોતથા એમ.આઈ.જી.પ્રકારના ૭૫૨ આવાસો મળી કુલ ૩૯૭૮ આવાસોનું નિર્માણ અંદાજીત રૂ. ૪૭૦.૨૬ કરોડના ખર્ચે જુદા જુદા ૧૦ સ્થળોએ હાથ ધરાયેલ છે. કેટેગરી વાઈઝ લાયકાત ધરાવતા ઇસમોને આ આવાસો મેળવવા માટે કોટક મહિન્દ્રા બેંક (૧૦ શાખા), આઈ.સી.આઈ.આઈ બેંક (૧૭ શાખા) તથા એચ.ડી.એફ.સી બેંક(૨૨ શાખા) આમ ત્રણે બેંકોની રાજકોટ શહેર તથા રૂડા વિસ્તારની કુલ ૪૯ શાખાઓ મારફત ફોર્મનું વિતરણ કરવામાં આવશે. લોકોની સરળતા માટે રૂડા કચેરી ઉપરાંત છખઈના કૃષ્ણ નગર સીટી સિવિક સેન્ટર, કોઠારીયા રોડ સીટી સિવિક સેન્ટર તથા ઇસ્ટ ઝોન સીટી સિવિક સેન્ટર પર આ અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.
વધુ માહિતી આપતા ચેરમેનએ કહેલું કે, આવાસ મેળવવા ઈચ્છુક અરજદારે ૨૪ ફેબ્રુઆરીથી ૧૩ માર્ચ સુધીમાં નિયત બેંકમાંથી રૂ. ૧૦૦/-ની ફોર્મ ફી (નોન રીફંડેબલ) ચુકવી નિયત નમૂનાનું અરજી ફોર્મ મેળવી શકશે. અરજદારે નિયત આધારો તથા વિગતો સાથે ભરેલ ફોર્મ તા. ૧૭ માર્ચ સુધીમાં ફોર્મમાં દર્શાવેલ બેંકની નિયત શાખાઓમાં રજુ કરવાનું રહેશે તથા ફોર્મની સાથે પ્રથમ હપ્તા (ડીપોઝીટ)ની રકમ જમા કરાવવાની રહેશે, આમુદ્દત વિત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આવેલ અરજીઓ પૈકી ફોર્મ તપાસ બાદ માન્ય રહેલ ફોર્મ માટે સાઈટ તથા આવાસની ફાળવણી ફક્ત કોમ્પ્યુટરાઈઝડ ડ્રો થી કરવામાં આવશે. આવાસ કે સાઈટ બદલવા અંગેની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.